જામનગરની ડેન્ટલ કોલેજની રાષ્ટ્રીય સિદ્ધિ: સતત બીજા વર્ષે મળ્યો પ્રતિષ્ઠિત એવોર્ડ

જામનગર તા.26 ઓગસ્ટ, 2025: જામનગરની ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલે ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ અનોખી સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર સૌરાષ્ટ્રનું નામ ગૌરવવંતુ કર્યું છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હી દ્વારા દેશભરની ડેન્ટલ કોલેજો અને હોસ્પિટલોને મોં અને દાંતના સ્વાસ્થ્ય તેમજ તમાકુના ઉપયોગથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ ઝુંબેશ અંતર્ગત યોજાતા શ્રેષ્ઠ કાર્યક્રમો માટે દર વર્ષે પુરસ્કાર એનાયત કરવામાં આવે છે.
દર વર્ષે 180થી વધુ ડેન્ટલ કોલેજો ભાગ લે છે
જામનગરની આ સંસ્થા દ્વારા મોં અને દાંતના સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વ્યાખ્યાનો, શેરી નાટકો, રેલીઓ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓ, તેમજ દંત નિદાન કેમ્પનો સમાવેશ થાય છે.આયોજિત કાર્યક્રમોનો વિગતવાર અહેવાલ નવી દિલ્હી મોકલવામાં આવે છે. આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં દર વર્ષે 180થી વધુ ડેન્ટલ કોલેજો ભાગ લે છે. જામનગર માટે ગર્વની વાત એ છે કે, આ સંસ્થાએ તેના ઉત્કૃષ્ટ કાર્યક્રમો અને કામગીરી બદલ સતત બીજા વર્ષે આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવ્યો હતો.
આ સન્માન માત્ર સંસ્થા માટે જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ છે. આ પુરસ્કાર ભવિષ્યમાં વધુ જનલક્ષી આરોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે સંસ્થાને પ્રેરણા પૂરી પાડશે.
આ પણ વાંચોઃ શિક્ષણ જગતને કલંક: આદિપુરમાં પ્રિન્સિપાલ પર વિદ્યાર્થીનો હુમલો, CCTVમાં કેદ થઈ ઘટના












