ક્યાં જઈને અટકશે આ ભ્રષ્ટાચાર? MPમાં 400 કરોડના ખર્ચે બનેલો બ્રિજ માત્ર 4 વર્ષમાં ધરાશાયી!

- જબલપુર-ભોપાલ નેશનલ હાઈવે-45 પર સ્થિત વના રેલવે ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો છે. આ બ્રિજનો એક ભાગ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો
HD ન્યુઝ ડેસ્કઃ મધ્ય પ્રદેશમાં સરકારી ભ્રષ્ટાચાર અને નબળા બાંધકામનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જબલપુરથી ભોપાલને જોડતા નેશનલ હાઈવે-45 પર માત્ર 4 વર્ષ પહેલાં બનેલો 400 કરોડનો બ્રિજ ધરાશાયી થઈ ગયો છે.
જબલપુર-ભોપાલ નેશનલ હાઈવે-45 પર સ્થિત વના રેલવે ઓવરબ્રિજનો એક મોટો હિસ્સો તૂટી પડ્યો છે. આ બ્રિજનો એક ભાગ છેલ્લા ઘણા સમયથી ક્ષતિગ્રસ્ત હતો, જેના કારણે વાહનવ્યવહાર માત્ર એક તરફથી ચલાવવામાં આવતો હતો, પરંતુ હવે બીજો હિસ્સો પણ ધરાશાયી થતાં હાઈવે પરનો ટ્રાફિક સંપૂર્ણપણે અટકી ગયો છે. ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા છે અને સ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસો ચાલુ છે. ટ્રાફિક પોલીસની સાથે સાથે પોલીસના જવાનોને પણ ચાર રસ્તે ઉભા રાખી દેવાયા છે. 4 વર્ષ પહેલાં ₹400 કરોડના ખર્ચે તૈયાર થયેલો 56 કિલોમીટર લાંબો માર્ગ અને આ બ્રિજ આટલી જલ્દી તૂટી પડતા બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. જબલપુર-ભોપાલ માર્ગ પર વાહનવ્યવહાર પણ ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
VIDEO | Madhya Pradesh: Portion of railway overbridge collapses in Jabalpur; restoration work underway.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/KgJncqh5Ji
— Press Trust of India (@PTI_News) February 23, 2026
ટ્રાફિક ડાયવર્ઝન અને લોકોની તકલીફ
દુર્ઘટના બાદ હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાયવર્ટ કર્યો છે. ભારે વાહનોને બાયપાસ માર્ગે અને હળવા વાહનોને શહેપુરા શહેરની અંદરના રસ્તાઓ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે. ભોપાલ જવા માંગતા મુસાફરોને ગોટેગાંવ અથવા પાટણ બાયપાસ થઈને જવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ ટોલ ટેક્સની વસૂલાત ચાલુ હોવા છતાં મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બ્લેકલિસ્ટ કંપની અને કરોડોનો દંડ
આ ઓવરબ્રિજનું નિર્માણ મેસર્સ બાગડ ઈન્ફ્રા નામની કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કંપનીને નબળા કામ અને ગેરરીતિ બદલ પહેલેથી જ બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ ઉપરાંત બાંધકામ દરમિયાન ગેરકાયદેસર ખનન કરવા બદલ વહીવટીતંત્ર દ્વારા કંપની પર ₹82 કરોડનો જંગી દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. હાલમાં આ બ્રિજ ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (ગેરંટી પિરિયડ) હેઠળ હતો, જેથી તેની મરામતનો ખર્ચ કોન્ટ્રાક્ટરે જ ભોગવવો પડશે.












