સરકારની નિષ્ફળ નીતિઓથી ખેડૂતો પરેશાન, વિરોધ કરો તો લાઠીચાર્જ: AAP

Farmers issues Gujarat: આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ખેડૂતોની ગંભીર સમસ્યાઓને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે સરકારની નિષ્ફળ નીતિઓના કારણે ખેડૂતો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ગઢવીએ કહ્યું, “ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ નથી મળતા, જ્યારે કુદરતી આફતો કે અન્ય કારણોસર પાકને નુકસાન થાય તો પૂરતું વળતર નથી મળતું, ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે હવે તો ડીઝલ પણ નથી મળતું, પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે પરંતુ આ સમસ્યાઓનો નિકાલ ભાજપ લાવી શકી નથી. આ બધી મુશ્કેલીઓ હોવા છતાં ભાજપ સરકાર ખેડૂતો સાથે ખોટું કરવામાં કોઈ કસર નથી છોડી રહી અને હવે તો ખેડૂતો સરકાર સામે અવાજ ઉઠાવે તો નિર્દોષ ખેડૂતો પર ભાજપ સરકાર લાકડીઓ વરસાવે છે. ખેડૂતોના હકો અને હિતોની રક્ષા કરવા સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે.”
ગુજરાતમાં ખેડૂતોની સ્થિતિ ખૂબ ખરાબ છે.
ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ નથી મળતા, પાક નુકસાન થાય તો પૂરતું વળતર નથી મળતું, ભાજપ સરકારની નિષ્ફળ નીતિઓને કારણે હવે તો ડીઝલ પણ નથી મળતું, પાણીની સમસ્યા છે, વીજળીની સમસ્યા છે પરંતુ આ સમસ્યાઓનો નિકાલ ભાજપ લાવી શકી નથી.
આ બધી મુશ્કેલીઓ… pic.twitter.com/9MBlQs0ZBD
— Isudan Gadhvi (@isudan_gadhvi) June 10, 2026
ગઢવીએ રાજ્ય સરકારને ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવી તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં લેવા અપીલ પણ કરી હતી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ખેડૂતો સાથે થયેલા અત્યાચાર અને પોલીસ કાર્યવાહીના અહેવાલો આવ્યા છે.
- જેતપુર અને મોરબીમાં ખેડૂતોની જમીનો પર ખાનગી કંપનીઓ અને સરકારી મળતિયાઓ દ્વારા જબરદસ્તીથી કબજો કરવા અને પૂરતું વળતર ન આપવાના આરોપો છે. વિરોધ કરતા ખેડૂતો પર લાઠીચાર્જ અને દમનના આરોપો લાગ્યા છે.
- સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં વીજ થાંભલા (હાઇટેન્શન લાઇન) નાખવા માટે જૂના રાજપત્રના આધારે ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તી કરવામાં આવી અને વિરોધ કરતા ખેડૂતો સાથે અત્યાચાર થયાના આરોપો છે. AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચીને ખેડૂતોને મળ્યા હતા.
ગઢવીએ કહ્યું કે એરપોર્ટ, AMC પાર્કિંગ અથવા મોબાઇલ ટાવર માટે મોટું ભાડું ચૂકવાય છે, પરંતુ ખેડૂતોના ખેતરોમાં મોટા વીજ થાંભલા નાખવામાં આવે ત્યારે તેમને કોઈ લાભ કે વળતર નથી મળતું.
ડીઝલની અછતથી વાવણીનું કામ અટક્યું
મે 2026માં ગુજરાતમાં ડીઝલની અછતને કારણે અમરેલી, જામનગર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ખેડૂતો અને ટ્રક ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. ખેડૂતોને ટ્રેક્ટર અને પંપસેટ માટે ડીઝલ ન મળતાં વાવણીનું કામ અટકી ગયું હતું. લાંબી કતારો, અથડામણ અને રોડ બ્લોકેડના અહેવાલો પણ સામે આવ્યા હતા. સરકારે રાષ્ટ્રીય સ્તરે કોઈ અછત ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ સ્થાનિક સ્તરે સમસ્યા રહી હતી.
પાક અને દૂધના નીચા ભાવ, કુદરતી આફતોમાં અપૂરતું વળતર, વીજળીની અનિયમિતતા અને પાણીની તંગી એ ખેડૂતો અને પશુપાલકોની લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ છે.
ખેડૂતોમાં અસંતોષ વધ્યો
રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ પાક નુકસાન ભોગવનારા ખેડૂતોને રાહત આપવા માટે પ્રતિ હેક્ટર રૂ. 20,000થી રૂ. 25,000 સુધીની સહાયની જોગવાઈ કરવામાં આવી છે. આ સહાય મહત્તમ 4 હેક્ટર જમીન સુધી આપવામાં આવે છે. ઉપરાંત, અગાઉ સરકાર દ્વારા ખેડૂતો માટે રૂ. 10,000 કરોડના વિશેષ રાહત પેકેજની પણ જાહેરાત કરવામાં આવી હતી.
જોકે, વિરોધ પક્ષો અને વિવિધ ખેડૂત સંગઠનોનું કહેવું છે કે આ સહાય પૂરતી નથી. તેઓનો આરોપ છે કે નુકસાનના સર્વેમાં અસમાનતા જોવા મળે છે, અનેક ખેડૂતોને યોગ્ય લાભ મળતો નથી અને સહાયની ચુકવણીમાં પણ વિલંબ થાય છે. જેના કારણે ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે.
15 જૂને વિશાળ આંદોલનની તૈયારી
આ દરમિયાન, ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને 15 જૂન, 2026ના રોજ ગાંધીનગર ખાતે વિશાળ આંદોલનની તૈયારીઓ ચાલી રહી છે. ખેડૂત સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના નેતૃત્વમાં યોજાનારા આ મહાઆંદોલનમાં વીજળીની સમસ્યા, પાક અને દૂધના પોષણક્ષમ ભાવ, પાક નુકસાનનું યોગ્ય વળતર તેમજ અન્ય કૃષિ સંબંધિત મુદ્દાઓને લઈને સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
ખેડૂત આગેવાઓનું કહેવું છે કે જો સરકાર ખેડૂતોની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં લાવે, તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ રેલીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો જોડાય તેવી શક્યતા છે.
ઇસુદાન ગઢવીએ ખેડૂતોને એક થઈને અવાજ ઉઠાવવાની અપીલ પણ કરી છે. સરકાર તરફથી આ આરોપો પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.












