Israel Iran Conflict: 6 શહેરો પર મિસાઇલોનો વરસાદ, ખામેનીના આવાસ પર બ્લાસ્ટ… તસવીરોમાં જુઓ ઈરાનના ભયાનક દ્રશ્ય

ઇઝરાયલે ઈરાન પર મિસાઇલ હુમલો કર્યાની પુષ્ટિ કરી છે, જ્યારે એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં અમેરિકા પણ સામેલ છે.

તેહરાનમાં સતત ઘણા વિસ્ફોટો સંભળાયા હતા. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે અને પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ઇઝરાયલે ઈરાનના સુપ્રીમ લીડરના સત્તાવાર નિવાસસ્થાન અને કાર્યાલયને નિશાન બનાવ્યું છે.

આ હુમલા બાદ, ઇઝરાયલી સેનાએ નાગરિકોને ચેતવણી આપવા માટે દેશભરમાં સાયરન વગાડ્યા. સેનાએ ચેતવણી આપી કે ઇઝરાયલ તરફ મિસાઇલો છોડવામાં આવી શકે છે, તેથી નાગરિકોને સુરક્ષિત સ્થળોની નજીક રહેવાની સૂચના આપવામાં આવી હતી.

હુમલાઓ બાદ, ઈરાનની રાજધાની તેહરાનમાં મોબાઇલ નેટવર્કને ભારે અસર થઈ છે. ઘણા વિસ્તારોમાં ફોન પણ કરી શકાતો નથી. સ્થાનિક પત્રકારોનું કહેવું છે કે ઇન્ટરનેટ પણ ગમે ત્યારે બંધ થઈ શકે છે.

ઈરાનના નિષ્ણાત મેહરાન કામરાવા કહે છે કે ઈઝરાયલ લાંબા સમયથી અમેરિકા-ઈરાન વાટાઘાટોને અસફળ બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે જેવુ 2025ના હુમલા દરમિયાન થયુ હતું, તેવી જ રીતે આ વખતે પણ ઈઝરાયલે અમેરિકાને હુમલામાં સામેલ થવા મજબુર કર્યુ.

મિસાઇલ હુમલાઓ વચ્ચે ઇઝરાયલની વાયુસેનાને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવી છે. સૂચનાઓ સ્પષ્ટ છે: શક્ય તેટલી વધુ મિસાઇલો હવામાં જ તોડી પાડો. સાથે જ જો ઈરાન તરફથી નવા હુમલાઓ શરૂ કરવામાં આવે, તો તાત્કાલિક જવાબ આપવા માટે ફોર્સ સંપૂર્ણપણે તૈયાર છે.

દરમિયાન, ઈરાન પર હુમલા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ બોમ્બ વિકસાવવા દેવામાં આવશે નહીં. તેમના મતે, ઈરાનને ભવિષ્યમાં આવી ક્ષમતા પ્રાપ્ત કરતા અટકાવવા માટે તેને નિશાન બનાવવામાં આવ્યું હતું.

ઇઝરાયલી સેનાએ દેશભરમાં ઇમરજન્સી જાહેર કરી છે. સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ છે, અને બિન-આવશ્યક વ્યવસાયો સ્થગિત કરવામાં આવ્યા છે.

સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે મિસાઇલો પશ્ચિમ તેહરાનના યુનિવર્સિટી સ્ટ્રીટ અને જુમહૂરી વિસ્તારોમાં પડી હતી. શહેરના ઘણા વિસ્તારોમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો, અને લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: Israel Attack On Iran: ઈરાન કે ઈઝરાયલ, કોની કરન્સી વધુ બળવાન? ડોલરની સરખામણીમાં કેટલી વેલ્યુ?












