ટ્રેન્ડિંગવર્લ્ડ

“ઈરાની જેલોમાં ટોર્ચર… “, કેદીઓના કપડાં ઉતારી કડકડતી ઠંડીમાં છોડી દેવાયા, ઇન્જેક્શનો આપવામાં આવ્યા

ઈરાનમાંથી કાળા કોથળામાં લપેટાયેલા મૃતદેહો, ફ્લોર અને સ્ટ્રેચર પર લાશોના ઢગલા અને પરિવારો તેમના પ્રિયજનોને શોધી રહ્યા હોવાની તસ્વીરો સામે આવી રહી છે. ખામેની સરકારે વિરોધ પ્રદર્શનોનો ભારે બળથી જવાબ આપ્યો.

ઈરાનની સડકો પર સરકાર વિરુદ્ધ ઉઠતા અવાજો હવે ધીમા પડતા જોવા મળી રહ્યો છે. ડિસેમ્બરના છેલ્લાં અઠવાડિયામાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શન હિંસક બની ગયા હતા. હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓના મોત થયા હતા, જ્યારે હજારો લોકો હજુ પણ જેલમાં બંધ છે. હવે ઈરાની સરકાર જેલમાં બંધ પ્રદર્શનકારીઓ પર અત્યાચાર કરી રહી હોવાના આરોપો સામે આવી રહ્યા છે. કેદીઓના કપડાં ઉતારાવીને તેમને કડકડતી ઠંડીમાં ખુલ્લામાં છોડવામાં આવી રહ્યા છે. કેટલીક રિપોર્ટ્સ અનુસાર, તેમને કેટલાક ઇન્જેક્શન્સ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે, આ ઇન્જેક્શન્સ વિશે કોઈને પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.

વિરોધ પ્રદર્શનોને કેવી રીતે કચડી નાખવામાં આવ્યા

ખામેની સરકારે ભારે બળપ્રયોગથી વિરોધ પ્રદર્શનનો જવાબ આપ્યો. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ તૈનાત કરવામાં આવ્યા હતા. દેશભરમાં ઇન્ટરનેટ બ્લેકઆઉટ લાદવામાં આવ્યું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ, વિરોધ પ્રદર્શનોમાં ઓછામાં ઓછા 5,000 લોકો માર્યા ગયા છે, જેમાં લગભગ 500 સુરક્ષા કર્મચારીઓનો સમાવેશ થાય છે.

જેલમાં ટોર્ચર

યુકેના અખબાર “ડેઇલી એક્સપ્રેસ” ના અહેવાલ મુજબ, ઈરાનમાં કેદીઓ સાથે ભયાનક વર્તન કરવામાં આવી રહ્યું છે. કેદીઓના કપડા ઉતારી તેમને ખુલ્લામાં છોડી દેવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પાઇપ દ્વારા તેમના પર ઠંડુ પાણી છાંટવામાં આવે છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, સૂત્રોએ અહેવાલ આપ્યો છે કે કેદીઓને ઇન્જેક્શન આપવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઇન્જેક્શન વિશે કોઈ વિગતો આપવામાં આવી રહી નથી.

વિરોધ પ્રદર્શનોને દબાવવાની હદનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ઘણા શહેરોના રસ્તાઓ મ્યુનિસિપલના પાણીથી ધોવાઇ ગયા હતા. કેટલાક અહેવાલો સૂચવે છે કે ઘણા વિસ્તારોની હવામાં લોહીની ગંધ આવતી હતી. ઘણા શહેરોમાં, દરેક પરિવારના એક સભ્યનું મોત થયું છે. અહેવાલોમાં કેટલાક પરિવારોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે તેમના સંબંધીઓને મારવા માટે વપરાયેલી ગોળીઓ માટે પૈસા ચૂકવવાનું કહેવામાં આવ્યું છે.

કેટલા લોકો માર્યા ગયા?

યુએસ સ્થિત હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સી (HRANA) અનુસાર, મૃત્યુઆંક વધીને 5,000 ની આસપાસ પહોંચી ગયો છે. સંગઠને જણાવ્યું હતું કે 26,015 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, ઈરાન ઇન્ટરનેશનલે અહેવાલ આપ્યો છે કે 12,000 લોકો માર્યા ગયા હોઈ શકે છે. યુએસ બ્રોડકાસ્ટર સીબીએસ ન્યૂઝ અનુસાર, આ સંખ્યા 20,000 જેટલી હોઈ શકે છે.

આ પણ વાંચો: 4 છોકરીઓ એકબીજાના પ્રેમમાં પાગલ થઈ, સ્કૂલમાંથી ભાગી દિલ્હી પહોંચી ગઈ

Back to top button