ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનનો જોર્ડનમાં અમેરિકી એરબેઝ પર મિસાઈલ હુમલો, બે સૈનિકોના મોત, એક ગુમ

Iran Launches Missile Attack : મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે જોર્ડન સ્થિત મુવફ્ફક સલ્ટી એરબેઝ પર મિસાઈલ હુમલાના અહેવાલો સામે આવ્યા છે. દાવા મુજબ આ હુમલામાં બે અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે અનેક ઘાયલ થયા હોવાનું અને એક સૈનિક ગુમ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

બેલિસ્ટિક મિસાઈલથી હુમલો થયાનો દાવો

અહેવાલો અનુસાર, ઈરાને બેલિસ્ટિક મિસાઈલ દ્વારા એરબેઝને નિશાન બનાવ્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે મિસાઈલ સૈનિકોના રહેઠાણ વિસ્તાર પર તૂટી પડી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.

એર ડિફેન્સ સિસ્ટમ એક મિસાઈલ રોકવામાં નિષ્ફળ રહી હોવાનો દાવો

અહેવાલોમાં જણાવાયું છે કે હુમલા દરમિયાન અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમે મિસાઈલોને હવામાં જ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એક બેલિસ્ટિક મિસાઈલ બચીને એરબેઝમાં કન્ટેનરથી બનેલા રહેઠાણ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં બે સૈનિકોના મોત, અનેકના ઇજાગ્રસ્ત થવા અને એક સૈનિક ગુમ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

અમેરિકાના જવાબી પગલાં

જોર્ડનના આ એરબેઝ પર અમેરિકી સૈનિકો અને લડાકૂ વિમાનો તૈનાત છે. હુમલા બાદ અમેરિકાએ ઈરાન સામે જવાબી કાર્યવાહી વધુ તેજ કરવાની તૈયારી શરૂ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પેન્ટાગનને આ હુમલાનો જવાબ આપવા માટે જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોવાનું પણ કહેવાય છે.

કુવૈતમાં પણ હુમલાનો દાવો

જોર્ડન ઉપરાંત ઈરાને કુવૈતની સાદ અલ-અબ્દુલ્લા એકેડમી ફોર સિક્યોરિટી સાયન્સિસને પણ નિશાન બનાવી હોવાના અહેવાલો છે. અગાઉ દરિયાના ખારા પાણીને પીવાનું બનાવવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ પર પણ હુમલો થયો હોવાનું જણાવાયું હતું. મિસાઈલ હુમલાના જોખમને ધ્યાનમાં રાખીને કુવૈતે થોડા સમય માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું હતું અને કેટલીક ફ્લાઈટોના સમયપત્રકમાં ફેરફાર કર્યો હતો.

નોંધ: ઉપરોક્ત વિગતો વિવિધ મીડિયા અહેવાલોમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. આ ઘટનાઓ અંગે તમામ પક્ષો તરફથી સત્તાવાર અને સ્વતંત્ર પુષ્ટિ દરેક મુદ્દે ઉપલબ્ધ હોય જ એવું જરૂરી નથી.

આ પણ વાંચો : રામ મંદિર ટ્રસ્ટ મુદ્દે નિર્મોહી અખાડાની સુપ્રીમમાં અરજી, ફોરેન્સિક ઓડિટની માંગ

Back to top button