Iran Israel War:’અમે એવા હથિયારોથી હુમલો કરીશું જેના વિશે દુનિયા અજાણ છે’, ઈરાને ટ્રમ્પને આપી ધમકી

Iran Israel War: મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે, ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઇરાન પર હુમલો કર્યો છે, અને ઇરાને પણ વળતો જવાબ આપ્યો છે. આ દરમિયાન, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના મેજર જનરલ ઇબ્રાહિમ જબ્બારીએ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધી ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે ઈરાન એવા હથિયારોનો ઉપયોગ કરી શકે છે, જેના વિશે દુનિયા હજુ અજાણ છે.
નવા ખતરનાક હથિયારો વડે હુમલાની ધમકી
હકીકતમાં, IRGC મેજર જનરલ ઇબ્રાહિમ જબ્બારીએ ધમકી આપતા કહ્યું, “ટ્રમ્પને ખબર હોવી જોઈએ કે આજે અમે અમારા જૂના ભંડારમાં રહેલી મિસાઇલો છોડી છે. ટૂંક સમયમાં અમે એવા શસ્ત્રોનું પ્રદર્શન કરીશું જે અમેરિકાએ પહેલાં ક્યારેય જોયા નથી.”
ઈરાન, ઈઝરાયલ અને યુએસ બેઝ પર હુમલા
એ નોંધવું જોઈએ કે આજે (શનિવાર) બપોરે, ઈઝરાયલ અને યુએસએ ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક શહેરો સામે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. ઈરાની લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. ગુસ્સે ભરાયેલા ઈરાને બદલો લેવાની તત્પરતા દાખવી. ઈરાને ઈઝરાયલ અને ખાડી દેશોમાં સ્થિત યુએસ લશ્કરી ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો.
ઈરાની લોકો માટે ટ્રમ્પનો સંદેશ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે “મોટા લશ્કરી કાર્યવાહી” શરૂ કરવાની જાહેરાત કરતા એક વીડિયોમાં ઈરાની લોકોને કહ્યું, “જ્યારે અમે અમારુ કામ પુરુ કરી દઈશું, ત્યારે તમે તમારી સરકાર પર કબ્જો કરી લેજો. જવાબદારી તમારા હાથમાં હશે. આવનારી પેઢીઓ માટે કદાચ આ એકમાત્ર તક હશે.”
ઈરાનના મીનાબમાં 40 વિદ્યાર્થીનીઓના મોત
ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઈરાનમાં એક કન્યા શાળા પર ઇઝરાયલ-અમેરિકાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછી 40 વિદ્યાર્થીનીઓના મોત થયા છે. ઈરાનના હોર્મોઝગન પ્રાંતના મીનાબમાં થયેલા હુમલામાં અન્ય 45 લોકો ઘાયલ થયા હતા. મીનાબમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડનો બેઝ પણ છે. ઈરાન આ હુમલાઓથી ગુસ્સે છે અને અમેરિકા અને ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે.
આ પણ વાંચો: Israel Iran Conflict LIVE: ઈરાનના મીનાબ શહેરમાં ભારે વિનાશ, યુએસ-ઇઝરાયલ હુમલામાં 24 વિદ્યાર્થીઓના મોત












