કાંગો વિમાન દુર્ઘટનામાં 14નાં મોત, બે સિનિયર સૈન્ય અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યો

Congo Plane Crash: કાંગો લોકતાંત્રિક ગણરાજ્યમાં એક મોટી વિમાન દુર્ઘટનામાં 14 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં (PLANE CRASH) દેશના બે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ જીવ ગુમાવનારાઓમાં સામેલ છે. કિકવિટથી રાજધાની કિન્શાસા પરત ફરી રહેલું વિમાન કેન્જે વિસ્તારમાં ક્રેશ થયું હતું. મૃતકોમાં લેફ્ટનન્ટ જનરલ મુતોમ્બો કાતાલાય તિએંડે અને લેફ્ટનન્ટ જનરલ બાકુમી લિકુલિયાનો સમાવેશ થાય છે.
સશસ્ત્ર દળોના ઓડિટર જનરલનું પણ મૃત્યુ
મુતોમ્બો કાતાલાય દેશની લશ્કરી અદાલતના વડા હતા, જ્યારે લિકુલિયા સશસ્ત્ર દળોના ઓડિટર જનરલ તરીકે ફરજ બજાવતા હતા. કાંગોની સેનાના પ્રવક્તા મેજર જનરલ એફોમી એકેન્જેએ અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે
બંને વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત પ્રતિનિધિમંડળના અન્ય સભ્યો અને વિમાનના ક્રૂ પણ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. અકસ્માતમાં વિમાનમાં સવાર કોઈ વ્યક્તિ બચી શક્યું નહોતું.
પ્રાથમિક તારણ સામે આવ્યું
પ્રાથમિક માહિતી પ્રમાણે, વિમાન કિકવિટથી કિન્શાસા તરફ પરત ફરી રહ્યું હતું ત્યારે તેમાં અચાનક ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી. ત્યારબાદ વિમાન કેન્જે વિસ્તારમાં ક્રેશ થયું હતું. જોકે, વિમાનમાં કઈ પ્રકારની ખામી સર્જાઈ હતી અને અકસ્માતનું ચોક્કસ કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.
@grok Est-ce vrai ? https://t.co/9kJgSkUypr
— Jacques Bilodeau (@JacquesBil68049) September 26, 2026
અકસ્માત બાદ કાંગોના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે. સૈન્ય પ્રવક્તા એફોમી એકેન્જેએ જણાવ્યું હતું કે
તપાસનો મુખ્ય હેતુ અકસ્માત પાછળનું ચોક્કસ કારણ શોધવાનો છે. તપાસમાં વિમાનની ટેકનિકલ સ્થિતિ અને અકસ્માત પહેલાંની પરિસ્થિતિની પણ તપાસ કરવામાં આવશે.
કાંગોની સિવિલ એવિએશન ઓથોરિટીના બોર્ડના અધ્યક્ષ ટ્રિફોન કિન-કિએ મુલુંબાએ પણ જણાવ્યું હતું કે હાલમાં અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. સત્તાવાળાઓની તપાસ પૂર્ણ થયા બાદ જ દુર્ઘટના પાછળના કારણ અંગે સ્પષ્ટ માહિતી સામે આવી શકે છે. આ વિમાન દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે કાંગોના પૂર્વ વિસ્તારમાં સુરક્ષાની સ્થિતિ પહેલેથી જ ગંભીર છે. કાંગોની સેના વિવિધ સશસ્ત્ર જૂથો સામે લડી રહી છે. તેમાં રવાંડા સમર્થિત M23 જૂથનો પણ સમાવેશ થાય છે.
અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ
M23એ છેલ્લા કેટલાક સમય દરમિયાન પૂર્વ કાંગોમાં અનેક હુમલા કર્યા છે અને કેટલાક મહત્વપૂર્ણ શહેરો તથા વિસ્તારો પર કબજો કર્યો છે. જેના કારણે દેશની સુરક્ષા સ્થિતિ વધુ જટિલ બની છે. જોકે, હાલની માહિતી પ્રમાણે વિમાન દુર્ઘટનાને કાંગોમાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ સાથે જોડતી કોઈ સીધી કડી સામે આવી નથી. અધિકારીઓ હવે તપાસના પરિણામની રાહ જોઈ રહ્યા છે. અકસ્માતનું ચોક્કસ કારણ સામે આવ્યા બાદ જ વિમાન કેવી રીતે ક્રેશ થયું અને તેમાં કઈ ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી તે અંગે વધુ માહિતી મળી શકશે.
આ પણ વાંચો : તૂટેલી મોબાઇલ સ્ક્રીન પર ટેમ્પર્ડ ગ્લાસ લગાવવું કેટલું યોગ્ય? જાણો નુકસાન












