અમદાવાદગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદમાં ટીબીનો કહેર! એક વર્ષમાં 15,072 કેસ, 666 દર્દીનાં મોત

Ahmedabad TB Cases 2025: અમદાવાદમાં ક્ષયરોગ એટલે કે ટીબીના કેસને લઈને ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની હદમાં વર્ષ 2025 દરમિયાન ટીબીના કુલ 15,072 નવા કેસ નોંધાયા હતા, જ્યારે આ રોગના કારણે 666 દર્દીનાં મોત થયાં હતાં. શહેરમાં સૌથી વધુ 800 કેસ વટવા વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે અસારવામાં સૌથી વધુ 56 દર્દીઓનાં મૃત્યુ થયાં છે. જોકે, AMCના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ કેસમાં વધારો થયો નથી અને કોર્પોરેશન ટીબીને રોકવા માટે સતત કામગીરી કરી રહ્યું છે.

અમદાવાદમાં દરરોજ સરેરાશ 41થી વધુ ટીબીના કેસ!

વર્ષ 2025ના આંકડાઓ પર નજર કરીએ તો અમદાવાદમાં દરરોજ સરેરાશ 41થી વધુ નવા ટીબીના દર્દીઓ નોંધાયા હતા. બીજી તરફ વર્ષ દરમિયાન કુલ 666 લોકોનાં મૃત્યુ થયાં હતાં, એટલે કે સરેરાશ દરરોજ લગભગ બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. શહેરમાં નોંધાયેલા કેસની સરખામણીએ મૃત્યુનું પ્રમાણ 4.41 ટકા રહ્યું હતું. વર્ષ 2024માં આ પ્રમાણ 5.78 ટકા હતું. એટલે કે અગાઉના વર્ષની સરખામણીએ મૃત્યુના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તેમ છતાં એક જ વર્ષમાં 666 દર્દીઓનાં મોત થવાં શહેરના જાહેર આરોગ્ય માટે ચિંતાનો વિષય છે.

2015માં 9,400 કેસ, 2025માં આંકડો 15 હજારને પાર

અમદાવાદમાં ટીબીના જૂના આંકડાઓની સરખામણી કરીએ તો વર્ષ 2015માં 9,400 કેસ નોંધાયા હતા. ત્યારબાદનાં વર્ષોમાં નોંધાયેલા કેસની સંખ્યા વધીને 15થી 16 હજારની આસપાસ પહોંચી હતી. વર્ષ 2025માં કુલ 15,072 નવા કેસ નોંધાયા છે. જોકે આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ તાજેતરના વર્ષમાં કેસમાં નોંધપાત્ર વધારો થયો નથી. કેસની સંખ્યા અગાઉના વર્ષની આસપાસ રહી છે. લાંબા ગાળાના આંકડામાં થયેલા ફેરફારનું મૂલ્યાંકન કરતી વખતે તપાસ અને નોંધણીની વ્યવસ્થામાં થયેલા સુધારાને પણ ધ્યાનમાં લેવું જરૂરી છે.

વટવામાં સૌથી વધુ 800 કેસ, આ વિસ્તારોમાં પણ ચિંતાજનક સ્થિતિ

અમદાવાદના વોર્ડવાઈઝ આંકડાઓ પ્રમાણે પૂર્વ અને દક્ષિણ અમદાવાદના અનેક વિસ્તારોમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધુ જોવા મળી છે. વટવામાં સૌથી વધુ 800 કેસ નોંધાયા છે. ત્યારબાદ બહેરામપુરામાં 612, અસારવામાં 552, સરસપુરમાં 530, ગોમતીપુરમાં 510 અને દાણીલીમડામાં 500 કેસ સામે આવ્યા છે. ભાઈપુરા-હાટકેશ્વર અને ગોતા વોર્ડમાં પણ 454-454 કેસ નોંધાયા છે. ગીચ વસતિ ધરાવતા વિસ્તારોમાં ટીબીના સંક્રમણને રોકવા માટે વહેલી તપાસ અને નિયમિત સારવાર અત્યંત જરૂરી છે.

અસારવામાં સૌથી વધુ 56 મોત, સરસપુર-રખિયાલમાં 41 દર્દીનાં મૃત્યુ

ટીબીના કારણે થયેલા મૃત્યુના આંકડા પણ ચિંતાજનક છે. વર્ષ 2025 દરમિયાન અસારવા વોર્ડમાં સૌથી વધુ 56 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. સરસપુર-રખિયાલ વિસ્તારમાં 41 દર્દીઓનાં મોત નોંધાયાં હતાં. વટવામાં 29, ગોમતીપુરમાં 26 અને બહેરામપુરામાં 24 દર્દીઓનાં મૃત્યુ થયાં હતાં. આ ઉપરાંત ઈન્ડિયા કોલોનીમાં 23, નરોડામાં 22, ઘાટલોડિયામાં 15, જોધપુરમાં 12 અને રાણીપમાં 12 દર્દીનાં મોત નોંધાયાં છે.

નરોડામાં મૃત્યુનું પ્રમાણ 5 ટકાથી વધુ

નરોડામાં વર્ષ 2025 દરમિયાન ટીબીના 434 કેસ સામે 22 મૃત્યુ નોંધાયાં હતાં. આ પ્રમાણે નોંધાયેલા કેસની સરખામણીએ મૃત્યુનું પ્રમાણ 5.06 ટકા રહ્યું હતું. જોધપુરમાં 251 કેસ સામે 12 દર્દીઓનાં મૃત્યુ થતાં આ પ્રમાણ 4.78 ટકા રહ્યું હતું. આ આંકડા દર્શાવે છે કે માત્ર ટીબીના કેસની સંખ્યા જ નહીં, પરંતુ દર્દીઓને સમયસર સારવાર મળે અને સારવાર પૂર્ણ થાય તે પણ એટલું જ જરૂરી છે.

ગીચ વસતિ અને અપૂરતું પોષણ ટીબીના ફેલાવાનાં જોખમી પરિબળ

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ટીબી હવામાંથી ફેલાતો ચેપી રોગ છે. ખાસ કરીને સક્રિય ફેફસાના ટીબીથી પીડિત વ્યક્તિ ઉધરસ, છીંક કે બોલતી વખતે હવામાં ટીબીના જીવાણુ ફેલાવી શકે છે. ગીચ રહેણાક, પૂરતી હવાની અવરજવરનો અભાવ, અપૂરતું પોષણ અને આરોગ્યસેવાઓ સુધી મર્યાદિત પહોંચ જેવા પરિબળો ટીબીના સંક્રમણ અને રોગની ગંભીરતાનું જોખમ વધારી શકે છે. શ્રમજીવી વિસ્તારો અને ચાલીઓમાં રહેતા લોકો માટે સમયસર નિદાન, પોષણ અને સારવારની સુવિધા સુલભ બનાવવી મહત્ત્વપૂર્ણ છે.

ટીબીના દર્દીઓને દર મહિને ₹1,000ની સહાય

ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૂરતું પોષણ મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નિઃક્ષય પોષણ યોજના અમલમાં છે. આ યોજના હેઠળ પાત્ર ટીબીના દર્દીઓને દર મહિને ₹1,000ની પોષણ સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. સરકારી આરોગ્ય વ્યવસ્થામાં ટીબીની તપાસ અને સારવાર પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. દર્દીઓએ સારવાર દરમિયાન નિયમિત દવાઓ લેવી, ડૉક્ટરની સલાહનું પાલન કરવું અને સારવારનો સંપૂર્ણ કોર્સ પૂરો કરવો જરૂરી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ટીબીના કેસમાં વધારો થયો નથી: ડૉ. ભાવિન સોલંકી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડૉ. ભાવિન સોલંકીએ ટીબીના આંકડાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કેસમાં વધારો થયો નથી. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે તેની આસપાસના કેસ નોંધાયા છે. ટીબીને રોકવા માટે કોર્પોરેશન સતત મહેનત કરી રહ્યું છે.’ આ નિવેદન મુજબ, કોર્પોરેશન દ્વારા ટીબીના નિયંત્રણ માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, ‘ટીબીની સારવાર માટે હોસ્પિટલમાં અલાયદો વિભાગ છે, જ્યાં સરકારના કડક નિયમો મુજબ તમામ દર્દીની સારવાર કરવામાં આવે છે.’ હોસ્પિટલમાં ટીબીના દર્દીઓની સારવાર માટે અલગ વ્યવસ્થા ઉપલબ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું.

ટીબીનાં આ લક્ષણો દેખાય તો તપાસ કરાવો
  • જો કોઈ વ્યક્તિને લાંબા સમયથી ઉધરસ રહેતી હોય, તાવ આવતો હોય, રાત્રે વધારે પરસેવો થતો હોય, વજન ઘટતું હોય અથવા સતત નબળાઈ અનુભવાતી હોય તો ટીબીની તપાસ કરાવવી જરૂરી છે.
  • ખાસ કરીને બે અઠવાડિયાં કે તેથી વધુ સમય સુધી ઉધરસ રહે તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.
  • ટીબીની સારવાર શક્ય છે અને યોગ્ય દવાઓથી મોટાભાગના દર્દીઓ સાજા થઈ શકે છે. જોકે, અધવચ્ચે સારવાર બંધ કરવાથી દવા પ્રતિરોધક ટીબીનું જોખમ વધી શકે છે.
  • અમદાવાદમાં નોંધાયેલા આ આંકડા વહેલી તપાસ, સારવારની ઉપલબ્ધતા, પોષણ સહાય અને આરોગ્ય જાગૃતિને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત દર્શાવે છે.
આ પણ વાંચોઃ હાથ કાપી નાખીશુંની ધમકી આપનાર પાકિસ્તાની મંત્રી દિલ્હી પહોંચ્યા! ભારતે જ આપ્યું આમંત્રણ, રાજકારણ ગરમાયું
Back to top button