ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

GSRTCએ રચ્યો નવો ઈતિહાસ, એક દિવસમાં 1.50 લાખથી વધુ ટિકિટ બુકિંગ

Gujarat: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ ડિજિટલ ટિકિટિંગ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સીમાચિહ્ન સર કર્યું છે. ગત 11 નવેમ્બર, 2026ના રોજ ભાઈબીજના દિવસે એક જ દિવસમાં સૌથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગનો જે નવો રેકોર્ડ સર્જાયો હતો, તે માત્ર 24 કલાકમાં જ ધરાશાયી થઈ ગયો છે. 12 નવેમ્બરે મુસાફરોના અભૂતપૂર્વ ધસારા વચ્ચે નિગમે બુકિંગ અને આવકના તમામ જૂના વિક્રમો તોડીને નવો ઇતિહાસ રચ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

24 કલાકમાં 3,135 વધુ સીટો બુક થઈ 

GSRTC દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, 11 નવેમ્બરના રોજ કુલ 1,46,875 બેઠકોનું ઓનલાઈન બુકિંગ થયું હતું, જેનાથી ₹3.55 કરોડની આવક થઈ હતી. જોકે, તેના બીજા જ દિવસે એટલે કે 12 નવેમ્બરે બુકિંગનો આંકડો વધીને 1,50,010 બેઠકો પર પહોંચ્યો હતો અને દૈનિક ડિજિટલ આવક ₹3.64 કરોડ નોંધાઈ હતી. આમ, એક જ દિવસના અંતરમાં અગાઉના રેકોર્ડ કરતાં 3,135 વધુ સીટો બુક થઈ હતી અને આવકમાં ₹9.38 લાખથી વધુનો ઉછાળો આવ્યો હતો. આ સાથે જ માત્ર બે દિવસમાં નિગમની કુલ ડિજિટલ આવક ₹7.19 કરોડના આંકડાને વટાવી ગઈ છે.

મોબાઇલ એપ દ્વારા બુકિંગમાં પણ નવો કીર્તિમાન 

નિગમની આ ઐતિહાસિક સફળતામાં GSRTC મોબાઇલ એપ્લિકેશનનો સિંહફાળો રહ્યો છે. 11 નવેમ્બરે એપ મારફતે 99,402 સીટોનું બુકિંગ અને ₹2.26 કરોડની આવક થઈ હતી. જ્યારે 12 નવેમ્બરે મોબાઇલ એપથી થયેલા બુકિંગે 1 લાખનો ઐતિહાસિક આંકડો પાર કરીને 1,00,283 બેઠકો નોંધાવી હતી, જેના થકી ₹2.30 કરોડની આવક રળાઈ હતી.

સળંગ 7મા વર્ષે દેશભરમાં ‘નંબર-1 એસ.ટી.યુ.’ બનવાનું ગૌરવ

જાહેર પરિવહન સેવાઓના ડિજિટલાઇઝેશનની દિશામાં ગુજરાતની આ સિદ્ધિ સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ બની છે. સતત સાતમા વર્ષે દેશની તમામ રાજ્ય પરિવહન નિગમો (STU) માં સર્વોચ્ચ બુકિંગ અને આવકનો રેકોર્ડ બનાવીને ગુજરાત એસ.ટી. નિગમે ‘નંબર-1’ નું સ્થાન જાળવી રાખ્યું છે. અત્યાધુનિક, સરળ અને પારદર્શક મુસાફરી સુવિધાઓ પૂરી પાડવા બદલ નિગમે મુસાફરોનો આભાર માન્યો છે.
Back to top button