કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

કચ્છમાં ખનિજ ચોરી, શિક્ષકોની ઘટ, આરોગ્ય સેવામાં ખામી સહિતમાં અન્યાય હવે નહીં ચલાવાય

  • કચ્છ જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખે પદભાર સંભાળતાની સાથે ભાજપ ઉપર કર્યા આકરા પ્રહારો
  • જિલ્લા સંગઠન મજબૂત કરીને કાર્યકરોને લોકો સુધી પહોંચવા તાકીદ 

ભુજ, 07 જુલાઇ 2025: Kachchh Congress તાજેતરમાં કોંગ્રેસના સંગઠનમાં થયેલા ફેરફારોની વચ્ચે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે બીજી વખત વી. કે. હુંબલ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. તેમણે કચ્છના પ્રાણપ્રશ્નોના ઉકેલ લાવવા માટે ભાજપ સરકારની વિલંબિત નીતિ સામે વાંધો ઉઠાવીને લોકોને અન્યાય કરાતો હોવાના પ્રહારો કર્યા હતા. ખાસ તો, જિલ્લામાં શિક્ષકોની ઘટ, આરોગ્ય સેવામાં ખામી અને ખનિજ ચોરીના નિવારણ માટે પણ લડી લેવા સૂચવ્યું હતું.

વી. કે. હુંબલ ઉપર કોંગ્રેસે ફરીથી ભરોસો મૂક્યો

કોંગ્રેસના જિલ્લા પ્રમુખ તરીકે અંજાર તાલુકાના વી. કે. હુંબલ ઉપર પ્રદેશ કોંગ્રેસે ફરીથી ભરોસો મૂક્યો છે. તેઓ જિલ્લાના મહેસુલી, રાજકીય, શૈક્ષણિક, ઔદ્યોગિક સહિતના મામલાઓ આંકડાકિય વિગતો સાથે રજૂ કરીને સરકાર પાસે જવાબો માગતા હોય છે. તેમને પુન: પ્રમુખ બનાવાતાં તેમનો પદગ્રહણ સમારોહ ભુજમાં કોંગ્રેસના ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબહેન ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

v-HDNEWS

બનાસની બહેને કહ્યું 25 સાંસદો ઉપર ભારી પડી શકે

બનાસની બહેન તરીકે ઓળખાતા ગેનીબહેને કોંગ્રેસના કચ્છના હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધતાં કહ્યું કે, નર્મદાના અપૂરતા પાણી, કાયદો વ્યવસ્થામાં ખામી, લૂંટફાટ, ખેડૂતોના પ્રશ્નો મામલે તેઓ ગુજરાતના 25 સાંસદો સામે ભારી પડે તેમ છે. ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ મૃતપ્રાય છે તેનું કારણ ભાજપની જૂથબંધી છે. જેમાં વર્તમાન ચૂંટાયેલા પદાધિકારીઓ સંકળાયેલા છે અને સરકાર કોઇ કાર્યવાહી નથી કરતી એ શરમજનક બાબત છે. મોટા ઉદ્યોગ જૂથો આરોગ્યના નામે લોકોને લૂંટી રહ્યા હોવાનું પણ કહ્યું હતું.

આ પણ વાંચો:રાફેલ વિમાન તોડી પાડવાના પાકિસ્તાનના દાવા પર સરકારનું નિવેદન; શેરમાં લાવ્યું તેજી

કચ્છના પ્રશ્નો માટે લડત ચલાવાશે

નવા પ્રમુખ તરીકે સંબોધન કરતાં વી. કે. હુંબલે કાર્યકરોને કહ્યું હતું કે, કચ્છના લોકોના પ્રશ્નો માટે લડત આપવાની છે. ખનિજ ચોરી, શિક્ષકોની ઘટ અને આરોગ્ય માળખામાં અભાવ, નમક માફિયા સહિતના મામલે ઉકેલ લાવવાના છે. તમામ કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવાની સાથે શિસ્તમાં રહીને આગામી પંચાયતોની ચૂંટણીઓ માટે શરૂઆતથી જ રાજકીય રીતે આગળ વધવા કહ્યું હતું.

લોકો વચ્ચે જઇને કાર્યકરો કોંગ્રેસને મજબૂત રાખશે   

જિલ્લાના પ્રવક્તા ગની કુંભારે કહ્યું હતું કે, નવા પ્રમુખની સાથે તમામ કોંગીજનો લોકોની વચ્ચે જઇને લોકમુદ્દાઓને વાચા આપવા સતત પ્રયાસો કરશે. વિદાય લેતા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ લડત ચલાવવા તૈયારી દર્શાવી હતી. કોંગ્રેસ સંગઠનના પૂર્વ ધારાસભ્યો, સંગઠનના નેતાઓ મંચસ્થ મહાનુભાવ બન્યા હતા. સ્વાગત પ્રવચન ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરદાન ગઢવીએ કર્યું હતું. સંચાલન રામદેવસિંહ જાડેજાએ કર્યું હતું. આભારવિધિ તાલુકા કોંગ્રેસના પ્રમુખ લાખાજી સોઢાએ કરી હતી. જ્યારે વ્યવસ્થા અંજલિ ગોર, હાસમ સમા, ધીરજ રૂપાણી અને અન્ય કાર્યકરોએ સંભાળી હતી.

આ પણ વાંચો:ગુજરાતમાં પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઑફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસનું સફળ અમલીકરણ

આ પણ વાંચો:છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૦૯ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ: આ તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ કરતાં વધુ વરસાદ

Back to top button