ઇન્ફોસિસને સૌથી મોટા શેર બાયબેકની મંજૂરી

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર, 2025: ઇન્ફોસિસના બોર્ડે અત્યાર સુધીના સૌથી મોટા 18,000 કરોડ રૂપિયાના શેર બાયબેકના કાર્યક્રમને મંજૂરી આપી દીધી છે. કંપની શેરદીઠ પાંચ રૂપિયાના મૂલ્યવાળા 10 કરોડ પેઇડ અપ ઇક્વિટી શેર 1,800 રૂપિયાના ભાવે ખરીદશે, જે કુલ ઇક્વિટી શેર મૂડીના 2.41 ટકા છે. આ શેર બીએસઇ પર ગઇકાલે શેરદીઠ રૂ. 1509.5ના ભાવે બંધ થયો હતો તેના કરતા બાયબેક મૂલ્ય 19 ટકા વધારે છે.
કંપનીએ ભૂતકાળમાં ક્યારે ક્યારે કર્યુ બાયબેક
ઇન્ફોસિસે વર્ષ 2017માં તેનું પહેલું શેર બાયબેક કર્યું હતું, જ્યારે 11.3 કરોડ શેર લગભગ રૂ. 13,000 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. આ પછી, કંપનીએ 2019માં રૂ. 8,260 કરોડ, 2021માં રૂ. 9,200 કરોડ અને 2022-23માં રૂ. 9,300 કરોડના શેર બાયબેક કર્યા હતા. હવે 2025નો આ કાર્યક્રમ આ બધા કરતા મોટો સાબિત થશે.
રોકડ પ્રવાહ અને શેરની કિંમત
કંપની પાસે મજબૂત રોકડ અનામત પણ છે. જૂન 2025 ક્વાર્ટરના અંત સુધીમાં, ઇન્ફોસિસનો ફ્રી કેશ ફ્લો 884 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 7,805 કરોડ હતો. બેંગ્લોરમાં મુખ્ય મથક ધરાવતી ઇન્ફોસિસને આશા છે કે આ પગલાથી માત્ર શેરધારકોને જ ફાયદો થશે નહીં પરંતુ કંપનીના શેરના ભાવને પણ ટેકો મળશે.
શેર બાયબેક શા માટે કરવામાં આવે છે?
કંપની તેના રોકાણકારોને વધુ સારું વળતર આપી શકે અને શેરનું મૂલ્ય મજબૂત બનાવી શકે તે માટે શેર બાયબેક એટલા માટે કરવામાં આવે છે. જ્યારે કંપની પાસે વધુ રોકડ પ્રવાહ હોય અને તેને તાત્કાલિક કોઈ નવા રોકાણની જરૂર ન હોય, ત્યારે તે શેરધારકો પાસેથી શેર પાછા ખરીદે છે. આનાથી કુલ શેરની સંખ્યા ઘટે છે, શેર દીઠ કમાણી (EPS) વધે છે અને શેરના ભાવ પર સકારાત્મક અસર પડે છે. ઉપરાંત, કંપનીની નાણાકીય સ્થિતિ મજબૂત છે અને મેનેજમેન્ટ તેના શેરના મૂલ્ય અંગે વિશ્વાસ ધરાવે છે તેવો સંદેશ પણ આપે છે.
આ પણ વાંચોઃ નિકાસકારો માટે 22.5 અબજનું પેકેજ લાવવાની તૈયારી, ગેરંટી વિના સસ્તા વ્યાજે લોન આપી શકે છે સરકાર












