ઇન્ડોનેશિયામાં ફરી ધરતી ધ્રૂજી: 5.9ની તીવ્રતાનો આફ્ટરશોક, 7.7ના ભૂકંપ બાદ ભયનો માહોલ

Flores Indonesia earthquake: ઇન્ડોનેશિયાના પૂર્વ નુસા તેંગારા પ્રાંતમાં આવેલા ફ્લોરેસ દ્વીપ પર ભૂકંપના આંચકાઓનો સિલસિલો હજુ યથાવત્ છે. 15 ઑગસ્ટ 2026ના રોજ આવેલા 7.7ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હવે 20 ઑગસ્ટે ફરી 5.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હોવાનું યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અને જર્મનીના GFZ રિસર્ચ સેન્ટરે જણાવ્યું છે.
આ ભૂકંપની ઊંડાઈ માત્ર 10 કિલોમીટર હોવાનું જણાવાયું છે. ઉથલી ઊંડાઈના કારણે આંચકા અનેક વિસ્તારોમાં તીવ્ર રીતે અનુભવાયા હોવાનું અહેવાલોમાં કહેવામાં આવ્યું છે.
મુખ્ય ભૂકંપના પાંચ દિવસ બાદ ફરી મોટો આંચકો
15 ઑગસ્ટે આવેલા 7.7ની તીવ્રતાના મુખ્ય ભૂકંપના માત્ર પાંચ દિવસ બાદ ફરી 5.9ની તીવ્રતાનો આફ્ટરશોક નોંધાતા સ્થાનિક લોકોમાં ભય વધુ વધ્યો છે.
આ અગાઉ 17 ઑગસ્ટે પણ લગભગ 5.9ની તીવ્રતાનો આફ્ટરશોક નોંધાયો હતો. સતત આવી રહેલા આંચકાઓને કારણે પહેલેથી જ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોમાં ગભરાટની સ્થિતિ છે.
બચાવ ટીમો હજી પણ કાટમાળ, ધસી પડેલી ઇમારતો અને ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
15 ઑગસ્ટે આવ્યો હતો 7.7ની તીવ્રતાનો ભૂકંપ
અહેવાલ મુજબ 15 ઑગસ્ટે ફ્લોરેસ વિસ્તારને હચમચાવનાર 7.7ની તીવ્રતાનો ભૂકંપ Flores Back-Arc Thrust Faultની ભૂગર્ભીય પ્રવૃત્તિને કારણે આવ્યો હતો.
USGSના પ્રાથમિક વિશ્લેષણ મુજબ તેની ઊંડાઈ લગભગ 10 કિલોમીટર હતી અને તેનું કેન્દ્ર એન્ડે શહેરથી આશરે 68 કિલોમીટર ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ સમુદ્ર વિસ્તારમાં હતું.
ભૂકંપની ઊંડાઈ ઓછી હોવાથી ઝટકા અત્યંત તીવ્ર રીતે અનુભવાયા હતા અને અનેક વિસ્તારોમાં ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું.
સુનામીની નાની લહેરો પણ નોંધાઈ
મુખ્ય ભૂકંપ બાદ કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં નાની સુનામી લહેરો પણ નોંધાઈ હતી. કેટલીક જગ્યાએ તેની ઊંચાઈ 1.61 મીટર સુધી હોવાનું જણાવાયું છે.
સુનામીની ચેતવણી મળતાં અનેક લોકો દરિયાકાંઠા છોડીને ઊંચાઈવાળા વિસ્તારોમાં દોડી ગયા હતા. જોકે બાદમાં જોખમ ઘટતાં ચેતવણી પાછી ખેંચવામાં આવી હતી.
મુખ્ય ભૂકંપ પછી 5.1, 5.6 અને 6.1ની તીવ્રતા સુધીના અનેક આફ્ટરશોક નોંધાયા હતા.
70થી વધુ લોકોના મોત, 1100થી વધુ ઘાયલ
પ્રારંભિક તબક્કે મૃતકોનો આંકડો લગભગ 53 હોવાનું જણાવાયું હતું, પરંતુ દૂરદરાજના વિસ્તારોમાંથી વધુ વિગતો સામે આવતાં મૃત્યુઆંકમાં વધારો થયો.
અહેવાલો મુજબ મુખ્ય ભૂકંપમાં ઓછામાં ઓછા 70થી 73 લોકોનાં મોત થયા છે, જ્યારે 1100થી વધુ લોકો ઘાયલ થયા છે.
17 ઑગસ્ટે આવેલા આફ્ટરશોક દરમિયાન પણ વધુ બે લોકોનાં મોત થયાનું જણાવાયું છે.
મંગારાઈ અને પૂર્વ મંગારાઈમાં સૌથી વધુ અસર
ભૂકંપની સૌથી ગંભીર અસર મંગારાઈ અને પૂર્વ મંગારાઈ વિસ્તારોમાં જોવા મળી છે.
અહેવાલ મુજબ લગભગ 12 હજાર ઘરોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 900થી વધુ મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે.
અનેક ગામોમાં લોકો ઘરવિહોણા બન્યા છે અને શરૂઆતમાં આશરે 5 હજાર લોકો રાહત શિબિરોમાં ગયા હતા. બાદમાં આ સંખ્યા વધીને 40 હજારથી વધુ થઈ હોવાનું જણાવાયું છે.
સ્કૂલ, હોસ્પિટલ અને સરકારી ઇમારતોને પણ નુકસાન
માત્ર રહેણાંક મકાનો જ નહીં, પરંતુ સૈંકડો સ્કૂલો, આરોગ્ય કેન્દ્રો, ધાર્મિક સ્થળો અને સરકારી ઇમારતો પણ ભૂકંપથી પ્રભાવિત થઈ હોવાનું સામે આવ્યું છે.
ભૂસ્ખલનના કારણે અનેક રસ્તાઓ અવરોધાયા છે. કેટલાક વિસ્તારોમાં વીજળી અને સંચાર વ્યવસ્થા પણ ખોરવાઈ હતી, જેના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.
20 ઑગસ્ટનો 5.9નો આફ્ટરશોક પણ ઉથલો
20 ઑગસ્ટે નોંધાયેલો 5.9ની તીવ્રતાનો આંચકો પણ ઓછી ઊંડાઈએ આવ્યો હોવાનું EMSCએ જણાવ્યું છે.
આ પહેલાં 17 ઑગસ્ટે GFZએ પણ આ જ વિસ્તારમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ નોંધ્યો હતો. કેટલીક રિપોર્ટમાં રુટેંગ નજીક 5.7ની તીવ્રતાનો આંચકો નોંધાયો હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
નિષ્ણાતોના મતે આ તમામ આંચકાઓ 15 ઑગસ્ટના મુખ્ય ભૂકંપ સાથે જોડાયેલા આફ્ટરશોક્સ છે.
લોકોમાં ભય, રાહત કામગીરી યથાવત્
ફ્લોરેસ દ્વીપના અનેક વિસ્તારોમાં લોકો હજી પણ ઘરમાં પાછા જતાં ડરી રહ્યા છે. સતત આવતા આફ્ટરશોકને કારણે ઘણા પરિવારો ખુલ્લી જગ્યાઓ અથવા રાહત શિબિરોમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
પ્રશાસન અને રાહત એજન્સીઓ કાટમાળ હટાવવા, ઘાયલોને સારવાર પહોંચાડવા અને બેઘર લોકોને આશ્રય આપવાની કામગીરીમાં લાગી છે.
હાલ સમગ્ર વિસ્તારની નજર હવે એ પર છે કે આફ્ટરશોકનો સિલસિલો કેટલા દિવસ સુધી ચાલુ રહે છે અને સ્થિતિ ક્યારે સામાન્ય બને છે.
આ પણ વાંચો: રાજકોટની કરુણ ઘટના: માતાના બેસણાના દિવસે દીકરાનો આપઘાત, પરિવારમાં 3 સભ્યોના મોતથી અરેરાટી












