ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટ્સ

Ind vs Pak: પાકિસ્તાનના ‘મિસ્ટ્રી સ્પિનર’નો ભારતે શોધ્યો તોડ? ઈશાન કિશને હાઈ-વોલ્ટેજ મેચ પહેલા આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: 13 ફેબ્રુઆરી, 2026: ટી20 વર્લ્ડ કપમાં 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. આ મેચ પહેલા પાકિસ્તાનના મિસ્ટ્રી સ્પિનર ઉસ્માન તારિકની ઘણી ચર્ચા થઈ રહી છે. તારિક પોતાની અનોખી ‘સાઈડ આર્મ’ એક્શનથી બોલિંગ કરે છે, જેના કારણે બેટ્સમેનો માટે રન બનાવવા મુશ્કેલ બને છે. જોકે, ભારતીય બેટ્સમેન ઈશાન કિશને સ્પષ્ટ કર્યું છે કે ટીમ કોઈ પણ પડકાર માટે તૈયાર છે.

નામીબિયાના કેપ્ટને ભારતને કરી હતી પરેશાન

તાજેતરમાં નામીબિયા સામેની મેચમાં તેમના કેપ્ટન ગેરાલ્ડ ઈરાસ્મસે પણ સાઈડ આર્મ એક્શનથી બોલિંગ કરી હતી. તેણે ભારત સામે 4 ઓવરમાં માત્ર 20 રન આપીને 4 મહત્વની વિકેટ ઝડપી હતી. ઈરાસ્મસની આ સફળતા બાદ એવી અટકળો તેજ થઈ હતી કે પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારત માટે આ એક સારી નેટ પ્રેક્ટિસ સાબિત થઈ છે.

ઈશાન કિશનનો જડબાતોડ જવાબ

મેચ બાદ જ્યારે પત્રકારોએ ઈશાન કિશનને પૂછ્યું કે શું ઈરાસ્મસ સામે રમવું એ ઉસ્માન તારિક માટેની તૈયારી હતી? ત્યારે ઈશાને કહ્યું, “ના, મને લાગે છે કે અમે તૈયારી પહેલાથી જ કરી લીધી છે. હવે અમારે બસ બોલને જોવાનો છે અને અમારી કુદરતી રમત રમવાની છે. જો બોલ હિટ કરવા જેવો હશે, તો અમે ચોક્કસ તેના પર પ્રહાર કરીશું કારણ કે આ ટી20 ફોર્મેટ છે. અમારે અમારી તાકાત પર ભરોસો રાખવો પડશે.”

વીડિયો એનાલિસિસ પર ભાર

ઈશાન કિશને વધુમાં જણાવ્યું કે આ સ્તરે ખેલાડીઓ વિરોધી બોલરોના વીડિયો જુએ છે, જેનાથી તેમને બોલિંગની શૈલીનો અંદાજ આવી જાય છે. તેણે સ્વીકાર્યું કે ઈરાસ્મસે શાનદાર બોલિંગ કરી અને તેમાંથી ટીમને ઘણું શીખવા મળ્યું છે, પરંતુ પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા વસ્તુઓને એકદમ ‘સિમ્પલ’ રાખવા માંગે છે.

 

Back to top button