15 જુલાઈથી ભારત-યુકે FTA લાગુ: બ્રિટનમાં ભારતીય નિકાસ પર ઝીરો ડ્યૂટી, વેપારને મળશે મોટો વેગ

India Uk deal: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધના કારણે સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર જોવા મળી રહી છે. ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો, શેરબજારોમાં ભારે અસ્થિરતા અને વૈશ્વિક વેપાર પર અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. અમેરિકા સહિત એશિયાના અનેક શેરબજારોમાં પણ ઘટાડો નોંધાયો છે.
વૈશ્વિક સ્તરે અમેરિકા-ઈરાન તણાવ અને વેપારી અનિશ્ચિતતા વચ્ચે ભારત માટે સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે 15 જુલાઈ, 2026થી ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) અમલમાં આવશે. આ કરાર લાગુ થતાં બ્રિટનમાં જતી લગભગ તમામ ભારતીય નિકાસ પર આયાત શુલ્ક (Import Duty) શૂન્ય થઈ જશે.
સરકારના જણાવ્યા અનુસાર આ કરારનો સૌથી વધુ લાભ ભારતના MSME, ટેક્સટાઇલ, જ્વેલરી, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, એન્જિનિયરિંગ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને મળશે. ઝીરો ડ્યૂટીના કારણે ભારતીય ઉત્પાદનો બ્રિટિશ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે અને નિકાસમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે.
આ કરાર હેઠળ બ્રિટનમાં કામ કરતા ભારતીય વ્યાવસાયિકોને પણ રાહત મળશે. ડબલ કોન્ટ્રિબ્યુશન કન્વેન્શન (DCC)ના કારણે તેમને એક જ સમયે બંને દેશોમાં સામાજિક સુરક્ષા વ્યવસ્થામાં યોગદાન આપવાની જરૂર નહીં રહે, જેના કારણે આર્થિક ભાર ઘટશે. અત્યાર સુધી ભારતીય વ્યાવસાયિકોના પગારનો આશરે 25 ટકા હિસ્સો બ્રિટનની સોશિયલ સિક્યોરિટી સ્કીમમાં જતો હતો. હવે આ રકમ તેમના ભારતના પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતામાં જમા થશે, જેના પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સમગ્ર રકમ ટેક્સ-ફ્રી રહેશે. પિયુષ ગોયલ 14 જુલાઈથી બ્રસેલ્સમાં યોજાનાર India-EU Trade and Technology Council (TTC)ની બેઠકમાં સામેલ થશે અને લંબિત મુદ્દાઓના સમાધાન પર ચર્ચા કરશે.
કાર, વ્હિસ્કી સહિત અનેક વસ્તુઓ થશે સસ્તી
ભારત-યુકે FTA અમલમાં આવ્યા બાદ બંને દેશો વચ્ચે મોટાભાગની વસ્તુઓ પર શૂન્ય અથવા ઓછો આયાત શુલ્ક (ટેરિફ) લાગશે. 15 જુલાઈથી આ કરાર લાગુ થતાં બ્રિટનથી આયાત થતી કાર, સ્કોચ વ્હિસ્કી સહિત અનેક પ્રોડક્ટ્સના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ખાસ કરીને કેટલીક લક્ઝરી કાર પર આયાત શુલ્કમાં 80 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. જેના કારણે લેન્ડ રોવર, જેગુઆર, રોલ્સ-રોયસ અને એસ્ટન માર્ટિન જેવી બ્રિટિશ લક્ઝરી કાર ભારતીય ગ્રાહકોને અગાઉ કરતાં વધુ સસ્તા ભાવે ઉપલબ્ધ થઈ શકશે.
હાલમાં ભારતમાં સ્કોચ વ્હિસ્કી પર 150 ટકા આયાત શુલ્ક વસૂલવામાં આવે છે. જોકે FTA લાગુ થયા બાદ આ ડ્યૂટી તબક્કાવાર ઘટાડીને 40 ટકા સુધી લાવવામાં આવશે. એટલે કે આગામી વર્ષોમાં સ્કોચ વ્હિસ્કીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.
વેપાર નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ટેરિફમાં રાહત પૂરતી નથી. ગુણવત્તા, લોજિસ્ટિક્સ, પ્રમાણપત્રો અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મજબૂત હાજરી પણ ભારત માટે એટલી જ જરૂરી રહેશે.












