અમેરિકા સાથે વ્યાપાર ઉદારીકરણ તરફ આગળ વધતું ભારત

નવી દિલ્હી, 16 એપ્રિલ, 2025: દ્વિપક્ષીય વેપાર સમજૂતિ (બીટીએ) પરની વાટાઘાટોની વચ્ચે ભારતે અમેરિકા સાથે વેપાર ઉદારીકરણનો રસ્તો અપનાવવાનો નિર્ણય કર્યો છે. વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે ગઇકાલે જણાવ્યું હતુ કે આગામી મહિને બન્ને દેશોની વચ્ચે વેપાર સમજૂતિ પર વાટાઘાટો શરૂ થવાની આશા છે. આ સમજૂતિ જ્યારે આખરી સ્વરૂપ લેશે ત્યારે બન્ને દેશોની વચ્ચે કારોબારની મોટી તકો પ્રાપ્ત થશે.
ભારત અને અમેરિકા માર્ચમાં જ દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટ પ્રક્રિયાને આગળ ધપાવી ચૂક્યા છે. બંને પક્ષોએ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં કરારનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં લગભગ 191 અબજ ડોલરના વર્તમાન સ્તરથી 500 અબજ ડોલર સુધી એટલે કે બમણાથી વધુ કરવાનો છે. વરિષ્ઠ સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, કરાર માટેની શરતો (TOR)ને પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ અઠવાડિયે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત શરૂ થશે
વાણિજ્ય વિભાગના અધિક સચિવ રાજેશ અગ્રવાલે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને યુએસ આ અઠવાડિયે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત શરૂ કરી રહ્યા છે. એવી અપેક્ષા છે કે મે મહિનાના બીજા ભાગમાં સામ-સામે વાતચીત શરૂ થશે. જ્યાં સુધી વેપાર કરાર અને તેની વાટાઘાટોનો સંબંધ છે, અમે સમયપત્રક મુજબ આગળ વધી રહ્યા છીએ.
પારસ્પરિક ટેરિફ ચિંતા અને તક બંને છે
પારસ્પરિક ટેરિફના મુદ્દા પર, વાણિજ્ય સચિવ બર્થવાલે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે વર્તમાન ટેરિફના સંદર્ભમાં ભારત માટે ચિંતા અને તકો બંને છે. ભારતે પહેલેથી જ એક રસ્તો અપનાવ્યો છે જ્યાં અમે યુએસ સાથે વેપાર ઉદારીકરણ માટે આગળ વધીશું, આ એક સ્પષ્ટ રસ્તો છે.
આ પણ વાંચોઃ બ્રિટને ટિરફ પ્રભાવિત કંપનીઓ માટે 26 અબજ ડોલરનું સહાય પેકેજ જાહેર કર્યું












