અમેરિકાથી એલપીજીની આયાત વધારો કરવા IOCL, HPCL અને BPCLને સરકારનો કડક નિર્દેશ

National News: કેન્દ્ર સરકારે દેશની અગ્રણી ઓઇલ કંપનીઓ—ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને એક સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે. સરકારના આદેશ મુજબ વર્ષ 2027માં થનાર કુલ એલપીજી આયાતમાંથી ઓછામાં ઓછો 15 ટકા હિસ્સો અમેરિકા સાથે લોંગ ટર્મ કોન્ટ્રાકટ મારફતે લાવવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જ ભારતે અમેરિકા પાસેથી પ્રથમ વખત આવી લાંબા ગાળાની ડીલ કરી હતી, જેમાં આશરે 22 લાખ ટન ગેસ મંગાવવાનો કરાર થયો હતો. હાલમાં આ ત્રણેય કંપનીઓના ટોચના અધિકારીઓ નવી સપ્લાય ડીલ પર વાતચીત કરવા માટે અમેરિકામાં જ હાજર છે.
કેમ લેવાયો આ નિર્ણય
આ પગલાં પાછળ ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય મધ્ય-પૂર્વના ખાડી દેશો પરથી પોતાની નિર્ભરતા ઓછી કરવાનો છે. અગાઉ ભારત પોતાની જરૂરિયાતનો 90 ટકાથી વધુ એલપીજી ગેસ ખાડી દેશોમાંથી મંગાવતું હતું, પરંતુ ઈરાનમાં યુદ્ધની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટના દરિયાઈ માર્ગે ઊભી થયેલી સમસ્યાઓના કારણે દેશમાં ગેસની ભારે અછત સર્જાઈ હતી. આ મુશ્કેલીમાંથી બોધપાઠ લઈને ભારતે હવે અલગ અલગ દેશોમાંથી ગેસ મંગાવવાની વ્યૂહનીતિ અપનાવી છે.
અત્યાર સુધી 39 લાખ ટન ગેસ આવ્યો
આ જ વ્યૂહનીતિના ભાગરૂપે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં અમેરિકા ભારતને સૌથી વધુ એલપીજી સપ્લાય કરનારો દેશ બની ગયો છે, જ્યાંથી અત્યાર સુધીમાં રેકોર્ડ 39 લાખ ટન ગેસ ભારત આવી ચૂક્યો છે. હવે ભારતીય ઓઇલ કંપનીઓ સંભવિત સપ્લાયર્સના પ્રસ્તાવ ચકાસ્યા બાદ ટૂંક સમયમાં જ નવા ગેસ સપ્લાય માટે સંયુક્ત ટેન્ડર બહાર પાડશે.












