શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઈન્ડિયા અને આફ્રિકા વચ્ચે પાંચમી ટી-20 મેચ રમાશે. જેને લઈ બન્ને ટીમો આજે સાંજે 6 વાગ્યા સુધી અમદાવાદ આવી પહોંચશે. બન્ને ટીમ અલગ અલગ હોટલમા રોકાશે. ટીમ ઈન્ડિયા ITC નર્મદામાં અને આફ્રિકાના ખેલાડીઓ હયાત રેજન્સીમાં રોકાશે.
બોમ્બની ધમકી મળ્યા બાદ અમદાવાદમાં પોલીસ તંત્ર એલર્ટ થયું છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા મેચની સુરક્ષા અને ટ્રાફિકને લઈ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ મેટ્રો દ્વારા પણ મેચને લઈ સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નાઈટ મેચ હોવાથી અમદાવાદ મેટ્રો રાત્રિના 12.30 કલાક સુધી દોડશે.
તો બીજી બાજુ મેચને લઈ મેદાનમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોવાથી ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે પોલીસ કમિશનર દ્વારા વાહનવ્યવહારને લઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસીડેન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો જતો આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
આ મેચને લઈ અમદાવાદની મેટ્રોનો સમય પણ વધારી દેવામાં આવ્યો છે. સમય સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોરના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.











