વડોદરાની પ્રતિષ્ઠિત પાયોનિયર કોલેજ વિવાદમાં, માનસિક ત્રાસના કારણે વિદ્યાર્થીનો ત્રીજા માળેથી પડતું મૂકી આત્મહત્યાનો પ્રયાસ

વડોદરા, 16 ફેબ્રુઆરી 2026: વડોદરા શહેરની પ્રતિષ્ઠિત પાયોનિયર કોલેજ વિવાદમાં સપડાઈ છે. કોલેજના BAMSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહન રાઠોડે ત્રીજા માળેથી પડતું મૂકીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થીને છેલ્લા સાત માસથી કોલેજના બે પ્રોફેસર દ્વારા જાતિ સંબંધિત ટીપ્પણીઓ તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ઘટનાને પગલે શૈક્ષણિક વર્તુળોમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 10મી તારીખે સાંજના સમયે વિદ્યાર્થી રોહન રાઠોડે કોલેજની ઇમારતના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા રોહનને તાત્કાલિક સારવાર માટે વડોદરાથી જુનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેઓ હાલ મેડિકલ સારવાર હેઠળ છે.
પરિવારજનો દ્વારા કપુરાઇ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં કોલેજના બે પ્રોફેસર—પ્રોફેસર કોમલ અને પ્રોફેસર ઋષિકેશ—વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદ મુજબ, છેલ્લા સાત મહિનાથી વિદ્યાર્થીને જાતિ સંબંધિત ટિપ્પણીઓ તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. ઉપરાંત અભ્યાસ બગાડવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે કોલેજના આચાર્ય વૈદ્ય નીતા મશરૂએ જણાવ્યું કે, વિદ્યાર્થીના પરિવારજનોએ અમને જાણ કરી છે. સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ કરવા સાત સભ્યોની સમિતિની નિમણૂંક કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં તપાસ સમિતિનો અહેવાલ પ્રાપ્ત થઈ જશે.”












