
અમદાવાદ, 6 માર્ચ 2024, સાણંદ GIDCના ગેટ નંબર 2 પાસે મંગળવારે સાંજે દેશી તમંચા વડે કોઈ શખ્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની જાણ પોલીસને થઈ હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે ફરદીન દિલાવર ખાન પઠાણની અગાઉ સગાઈ બાબતે તકરાર થતા સામા પક્ષ દ્વારા સમાધાન અર્થે બોલાવીને દેશી પિસ્તોલ દ્વારા ફાયરિંગ કરી ઇજાઓ પહોંચાડવામાં આવી છે. ત્યાર બાદ પીડિતને બોપલ ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
સગાઈ બાબતે મન દુઃખ થતા કરાયું ફાયરિંગ
અમદાવાદ ગ્રામ્ય એસ.પી નીલમ ગોસ્વામીએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરદીન દિલાવર પઠાણ કે જેની અરમાન રાજાની બહેન સાથે સગાઈ થઈ હતી. ત્યાર બાદ કોઈ અંગત કારણોસર સગાઈ તોડવામાં આવી હતી. અરમાન રાજા જે કડી મહેસાણાનો રહેવાસી છે. તેમજ બીજો આરીફ અકબર પઠાણ જે સાણંદનો રહેવાસી છે. બંને જણાએ ફરદીન પઠાણને સમાધાન કરવાના બહાને બોલાવ્યો હતો. ત્યાર બાદ બદલો લેવાની ભાવનાથી ફરદીન પઠાણ પર તમંચા વડે ફાયરિંગ કરી માથામાં તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ બંને ઈસમો ફરાર થઈ ગયા હતાં.
PI સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો
આ બનાવની જાણ અમદાવાદ ગ્રામ્ય પોલીસ તેમજ સાણંદ જીઆઇડીસી પોલીસને થતા આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં કડીના જાસલપુર ખાતેના વિરોચનગર ગામની સીમમાંથી અરમાન રાજાને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી ઘટનામાં તપાસ સઘન બનાવી છે.
આ પણ વાંચોઃઅમદાવાદમાં આપઘાત કરનાર મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીએ ગળેફાંસો ખાધો












