
ગુજરાતમાં કોંગ્રેસને ફરી ઉભી કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે તન તોડ મહેનત કરી રહી છે જેને લઈને જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર યોજાઈ છે. આજે એટલે કે શિબિરના છેલ્લા દિવસે રાહુલ ગાંધી થોડીવારમાં પહોંચશે ત્યાર બાદ તેઓ 41 શહેર-જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે.
રાહુલ ગાંધીના આગમન પહેલાં જ કોંગ્રેસમાંથી રેસના ઘોડાને હટાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમરેલી જિલ્લા પ્રમુખ પ્રતાપ દૂધાતને હાંકી કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે 9 જિલ્લા પ્રમુખોને નિષ્ક્રીય ગણાવી સડેલી કેરી કહ્યાં છે. આ રાજકીય હલચલને પગલે પ્રદેશ નેતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જૂનાગઢની ભવનાથ તળેટીમાં ચાલી રહેલી શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રશિક્ષણ શિબિરમાં હાજરી આપવા રાહુલ ગાંધી બપોરે 1.15 વાગ્યે કેશોદ એરપોર્ટ ખાતે પહોંચશે. ત્યાર બાદ બપોરે 2.30 વાગ્યે તેઓ જુનાગઢ પહોંચશે. જ્યાંથી તેઓ સીધા રોડમાર્ગે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમ પર પહોંચશે. આ પહેલા કાળવા ચોક ખાતે ભવ્ય સ્વાગત કરાશે. રાહુલ ગાંધીના આગમનને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જુનાગઢથી પોરબંદર જવા રાહુલ ગાંધી રવાના થશે.
2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપનાર રાહુલ ગાંધીની છેલ્લા સાત મહિનામાં આ પાંચમી મુલાકાત છે. 26 જુલાઈએ આણંદમાં યોજાયેલી શિબિરમાં છેલ્લે હાજરી આપી હતી.












