અમદાવાદની હચમચાવતી ઘટના: ઘરકંકાસમાં પત્ની અને સાસુને આગ ચાંપી પતિ ભાગી ગયો

અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2025: શહેરના કુબેરનગર વિસ્તારમાં આઝાદ મેદાન નજીક એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક પતિએ પોતાની પત્ની અને સાસુ પર જ્વલનશીલ પદાર્થ રેડીને તેમને જીવતાં સળગાવી દીધાં. આ ઘટના એક દુકાનમાં બની હોવાનું જાણવા મળ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. ગંભીર રીતે દાઝી ગયેલી બંને મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેમની હાલત નાજુક ગણાય છે.
પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટના પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડાને કારણે બની હોવાનું માનવામાં આવે છે. ઝઘડો એટલો વકર્યો કે આરોપી પતિએ આક્રોશમાં આવીને જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ કરીને પોતાની પત્ની અને તેની માતા પર હુમલો કર્યો. ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી, જેના પગલે સરદાર નગર પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને આરોપીની શોધખોળ શરૂ કરી છે. સાથે જ, દુકાનમાં લાગેલી સીસીટીવી ફૂટેજ અને આસપાસના સાક્ષીઓના નિવેદનો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આ ઘટના બાદ પોલીસે ભારતીય દંડસહિંતાની કલમો મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ધરપકડ માટે ખાસ ટીમો રચવામાં આવી છે.
આ પણ વાંચો: ભારત અમારા પક્ષમાં છે: રશિયા સાથેના જંગ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું મોટું નિવેદન












