વર્લ્ડ

મધ્ય પૂર્વમાં ફરી તણાવ: ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની જાહેરાત, સમજૂતી કરાર જોખમમાં

Iran Closes Hormuz Strait Shipping: મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવાના વૈશ્વિક પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. ઈરાનના સંયુક્ત લશ્કરી કમાન્ડે આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા ‘હોર્મુઝ સ્ટ્રેટ’ દ્વારા શિપિંગ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. ઈરાની સૈન્યએ અમેરિકા પર સમજૂતી કરારના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ઈરાનનું કહેવું છે કે દક્ષિણ લેબનોનમાંથી સૈનિકો પાછા ખેંચવામાં નિષ્ફળતા અને ઇઝરાયેલ દ્વારા સતત થઈ રહેલા યુદ્ધવિરામના ઉલ્લંઘનને કારણે આ કડક પગલું ભરવું પડ્યું છે. ઈરાને ચેતવણી આપી છે કે આ માત્ર પહેલું પગલું છે અને જો ઉલ્લંઘન ચાલુ રહેશે તો આગામી સમયમાં વધુ આકરા પગલાં લેવાશે.

અમેરિકા-ઈરાન વચ્ચેનો 14-પોઇન્ટ કરાર સંકટમાં

આ અઠવાડિયે જ અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા, જેના આધારે હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો નિર્ણય લેવાયો હતો. જોકે, આ કરારના ગણતરીના કલાકોમાં જ શનિવારે દક્ષિણ લેબનોનમાં થયેલા ઇઝરાયેલી હવાઈ હુમલામાં 2 બાળકો સહિત ઓછામાં ઓછા 7 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જેના કારણે આખો સોદો જોખમમાં આવી ગયો છે. બીજી તરફ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે આશા વ્યક્ત કરી છે કે વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા આ 14 મુદ્દાના કરાર હેઠળનો યુદ્ધવિરામ જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે યુએસને હજુ સુધી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થયાના સત્તાવાર પુરાવા મળ્યા નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

મોહસીન નકવી મધ્યસ્થતા માટે ઈરાન પહોંચ્યા

આ ગંભીર રાજદ્વારી સંકટ વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી શનિવારે તાત્કાલિક તેહરાન પહોંચ્યા છે અને ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી છે. પાકિસ્તાનના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરના નજીકના ગણાતા નકવી અગાઉ પણ બંને દેશોના સંબંધો સુધારવા માટે ત્રણ મહત્વપૂર્ણ મુલાકાતો કરી ચૂક્યા છે અને તેઓ આ વાટાઘાટો પર નજીકથી નજર રાખી રહ્યા છે.

‘અમે અમારા વચનો પાળ્યા છે, પરંતુ….’

ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “અમે અમારા વચનો પાળ્યા છે, પરંતુ હવે અમેરિકાની જવાબદારી છે કે તે ઇઝરાયેલને લેબનોન પરના હુમલા રોકવા માટે મજબૂર કરે.” ઈરાને વધુમાં જણાવ્યું કે સ્વિટ્ઝર્લૅન્ડની આગામી બેઠકમાં તેઓ અમેરિકા સમક્ષ વચનોના પાલનની કડક માંગ કરશે.

આ પણ વાંચો: અમેરિકા-ઈરાન બેઠક પર વિશ્વની નજર, પાક ગૃહમંત્રી પહોંચ્યા ઈરાન

Back to top button