ઉત્તર પ્રદેશમાં ઓનર કિલિંગ: ભાગીને લગ્ન કરનાર યુગલની પરિવારજનોએ ગળું કાપીને ક્રૂર હત્યા કરી
ઉત્તર પ્રદેશઃ 13 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશના એટા જિલ્લાના જૈથરા પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢિયા સુહાગપુર ગામમાં રવિવારે સાંજે હૃદય કંપાવી દે તેવી ઘટના બની છે. એક 19 વર્ષની યુવતી અને તેના 23 વર્ષના પતિની, યુવતીના જ પરિવારના સભ્યો દ્વારા જાહેરમાં નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
શું હતી સમગ્ર ઘટના?
મૃતક શિવની કુમારી અને દીપક કુમાર છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. ગત 11 ડિસેમ્બરના રોજ તેઓ ઘરેથી ભાગી ગયા હતા અને પ્રયાગરાજના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા હતા. બંને પ્રયાગરાજની એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. શનિવારે શિવની તેના પરિવારના બોલાવવા પર પિયર પરત ફરી હતી. રવિવારે સાંજે જ્યારે દીપક તેને મળવા આવ્યો, ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
જાહેરમાં આચરાયો ખૌફનાક ગુનો
રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ, જ્યારે ગામના લોકો હાજર હતા, ત્યારે શિવનીના પરિવારે આ દંપતી પર લાકડીઓ અને ખુરપી (ધારદાર હથિયાર) વડે હુમલો કર્યો.
ક્રૂરતાની હદ
હુમલાખોરોએ પહેલા શિવનીનું ગળું કાપી નાખ્યું. જ્યારે દીપક જીવ બચાવવા ભાગ્યો, ત્યારે તેને પકડીને તેનું પણ ગળું કાપી નાખવામાં આવ્યું. હત્યા બાદ લોહીથી લથપથ લાશને પાડોશીના ઘરની છત પર ફેંકી દેવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી અને ધરપકડ
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. શિવનીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે દીપકે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં દમ તોડ્યો હતો. પોલીસ દ્વારા શિવનીના પરિવારના પાંચ સભ્યો સામે BNS ની કલમ 103(1) (હત્યા) અને 191 (હુલ્લડ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે યુવતીના પિતા અશોક કુમાર (45), માતા વિતોલી દેવી (42) અને બહેન શિલ્પી (20)ની ધરપકડ કરી છે. યુવતીના ભાઈ સતીશ અને જબર સિંહ હાલ ફરાર છે, જેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે.
SSP શ્યામ નારાયણ સિંહે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં યુવતીના પિતા અને ભાઈઓ આ ડબલ મર્ડરમાં મુખ્ય ભૂમિકામાં હોવાનું જણાય છે. દીપકના પિતા, જેઓ વન વિભાગમાં કામ કરે છે, તેમણે ન્યાયની માંગ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.












