ટ્રેન્ડિંગનેશનલવિશેષ

‘રાહુલ અને પ્રિયંકા ગાંધીના ઝઘડાનો શિકાર બન્યો…’ ભાઈ-બહેન પર મુખ્યમંત્રીનો મોટો દાવો

નવી દિલ્હીઃ 22 જાન્યુઆરી, 2026: દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યુમાં હિમંત બિસ્વા સરમાએ કોંગ્રેસના આંતરિક રાજકારણના અનેક રહસ્યો ખોલ્યા છે. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ભાજપમાં જોડાયા તે પહેલા કોંગ્રેસમાં હતા, ત્યારે તેઓ રાહુલ અને પ્રિયંકા વચ્ચેના ગજગ્રાહનો ભોગ બન્યા હતા.

“પ્રિયંકાને કેરળથી કેમ દૂર રખાયા?”

હિમંત સરમાએ સવાલ ઉઠાવ્યો કે, પ્રિયંકા ગાંધી વાડ્રા કેરળના વાયનાડથી સાંસદ હોવા છતાં, તેમને કેરળમાં જવાબદારી આપવાને બદલે આસામમાં ચૂંટણી સમિતિના પ્રમુખ કેમ બનાવવામાં આવ્યા? તેમણે દાવો કર્યો કે, “રાહુલ ગાંધી નથી ઈચ્છતા કે પ્રિયંકા કેરળમાં પોતાનું વર્ચસ્વ જમાવે. રાહુલ ગાંધી, કે.સી. વેણુગોપાલ અને તેમના નજીકના નેતાઓનું એક અલગ જૂથ છે, જેમાં પ્રિયંકાનો સમાવેશ થતો નથી.”

22 વર્ષનો અનુભવ

સરમાએ વધુમાં ઉમેર્યું કે, “હું 22 વર્ષ સુધી કોંગ્રેસમાં રહ્યો છું, મને અંદરની તમામ વિગતોની ખબર છે. કેરળની સાંસદને કેરળની રાજનીતિમાંથી બહાર કાઢીને આસામ મોકલવી એ જ સાબિત કરે છે કે પરિવારમાં બધું બરાબર નથી.”

રાજકીય ગરમાવો

ભાજપમાં જોડાયા બાદ હિમંત બિસ્વા સરમા સતત ગાંધી પરિવાર પર પ્રહારો કરતા રહ્યા છે. આ નિવેદન બાદ ફરી એકવાર કોંગ્રેસમાં ‘રાહુલ વિરુદ્ધ પ્રિયંકા’ની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, કોંગ્રેસ તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

 

 

Back to top button