આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 80ના મોત બાદ લોનની EMI પર 6 મહિનાની રાહત

Flood situation in Assam critical: આસામમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે જનજીવન પર ગંભીર અસર પડી છે. રાજ્ય સરકારે પૂરગ્રસ્ત લોકોને મોટી રાહત આપતાં જાહેરાત કરી છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં લોન લેનારા લોકોને છ મહિના સુધી EMI ભરવામાં રાહત આપવામાં આવશે. રાજ્યમાં પૂરના કારણે વધુ બે લોકોના મોત થયા બાદ મૃત્યુઆંક વધીને 80 પર પહોંચી ગયો છે, જ્યારે 2.12 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે.
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે આ વિનાશક પૂરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પાસે વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે રાજ્ય સ્તરીય બેંકર્સ સમિતિની બેઠકમાં આરબીઆઈ, નાબાર્ડ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય બેંકોના પ્રતિનિધિઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
ચાર જિલ્લાઓના પૂરગ્રસ્તોને મળશે રાહત
સરકારના નિર્ણય મુજબ શિવસાગર, ચરાઈદેવ, જોરહાટ અને ગોલાઘાટ જિલ્લાના પૂરગ્રસ્ત લોનધારકોને છ મહિનાનું મોરેટોરિયમ આપવામાં આવશે. જોકે આ રાહત માત્ર તે જ લોકોને મળશે જેમના જીવન અને સંપત્તિ પર પૂરથી સીધી અસર થઈ છે.
મુખ્યમંત્રીએ અન્ય લોકોને સમયસર EMI ભરવાનું ચાલુ રાખવા અપીલ કરી છે.
લોનની મુદત વધારવાની પણ સુવિધા
સરમાએ જણાવ્યું કે લોનના પ્રકાર મુજબ તેની ચુકવણીની મુદત એક વર્ષથી લઈને સાત વર્ષ સુધી વધારી શકાય છે. ઉપરાંત, પૂરમાં સંપૂર્ણ નુકસાન ભોગવનારા નાના વેપારીઓને કોઈ વધારાના ગીરવે વગર તેમના લોન ખાતામાં 10 હજાર રૂપિયાની વધારાની સહાય પણ આપવામાં આવશે.
2.12 લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત
આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અહેવાલ મુજબ હાલ ચાર જિલ્લાઓમાં કુલ 2,12,400થી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. સૌથી વધુ અસર ચરાઈદેવ જિલ્લામાં જોવા મળી છે, ત્યારબાદ શિવસાગર અને જોરહાટ જિલ્લાનો સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલમાં 112 રાહત શિબિરો કાર્યરત છે, જ્યાં 75 હજારથી વધુ લોકોને આશ્રય અને જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
રાજ્યપાલે કર્યો હવાઈ સર્વે
રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યે શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. તેમણે રાહત શિબિરોની મુલાકાત લઈને અસરગ્રસ્ત પરિવારો સાથે વાતચીત કરી અને ખોરાક, પીવાનું પાણી, આરોગ્ય સેવા તથા અન્ય સુવિધાઓની સમીક્ષા કરી હતી.
તેમણે અધિકારીઓને ખાસ કરીને બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને ગર્ભવતી તેમજ સ્તનપાન કરાવતી માતાઓની જરૂરિયાતો પર વિશેષ ધ્યાન આપવા સૂચના આપી હતી.
કેન્દ્ર સરકાર પાસે વિશેષ પેકેજની માંગ
મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ ચાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે વિશેષ સહાય પેકેજની માંગ કરી છે. આ પેકેજમાં રાહત, આવાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પુનઃનિર્માણ અને લોકોના રોજગારને ફરીથી ઉભા કરવામાં મદદનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારે જણાવ્યું કે હાલ પણ આશરે 13 હજાર ઘરોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થઈ શક્યો નથી અને સ્થિતિ સામાન્ય બનાવવા માટે સતત કામગીરી ચાલી રહી છે.











