ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

હિમાચલનું સોલન દેશનો પાંચમો સૌથી અમીર જિલ્લો બન્યો, જાણો પ્રતિ વ્યક્તિ આવક

Himachal’s Solan:   હિમાચલ પ્રદેશનો સોલન જિલ્લો હાલમાં પોતાની વધતી આર્થિક તાકાતને કારણે ચર્ચામાં છે. સામાન્ય રીતે પર્યટન સ્થળ તરીકે ઓળખાતો સોલન હવે પ્રતિ વ્યક્તિ આવકના મામલે દેશના સૌથી સમૃદ્ધ જિલ્લાઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. ઇકોનોમિક સર્વે 2024-25 મુજબ, સોલન દેશનો પાંચમો સૌથી વધુ પ્રતિ વ્યક્તિ GDP ધરાવતો જિલ્લો બની ગયો છે.

સોલનમાં પ્રતિ વ્યક્તિ આવક વધીને 8.10 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ખાસ વાત એ છે કે આ આંકડો હિમાચલ પ્રદેશની સરેરાશ પ્રતિ વ્યક્તિ આવક 2.83 લાખ રૂપિયા કરતાં લગભગ ત્રણ ગણો વધારે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

દેશના ટોપ-5 અમીર જિલ્લાઓમાં સોલન

પ્રતિ વ્યક્તિ આવકના મામલે તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો દેશભરમાં પ્રથમ સ્થાને છે. અહીં પ્રતિ વ્યક્તિ આવક 11.46 લાખ રૂપિયા છે.

બીજા ક્રમે હરિયાણાનો ગુરુગ્રામ છે, જ્યાં પ્રતિ વ્યક્તિ આવક 9.05 લાખ રૂપિયા છે. ત્યારબાદ બેંગલુરુ અર્બન 8.93 લાખ રૂપિયા અને ગૌતમ બુદ્ધ નગર 8.48 લાખ રૂપિયા સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.

સોલન 8.10 લાખ રૂપિયાની પ્રતિ વ્યક્તિ આવક સાથે પાંચમા ક્રમે છે.

ઔદ્યોગિક ક્ષેત્રે સોલનની મોટી ભૂમિકા

રિપોર્ટ અનુસાર સોલનને આર્થિક રીતે મજબૂત બનાવવામાં તેના ઔદ્યોગિક ક્ષેત્રની મોટી ભૂમિકા છે. હિમાચલ પ્રદેશના 90 ટકાથી વધુ ઉદ્યોગો બદ્દી-બરોટીવાલા-નાલાગઢ (BBN) ઔદ્યોગિક ક્લસ્ટરમાં કેન્દ્રિત છે.

BBN વિસ્તારમાં એશિયાના સૌથી મોટા ફાર્માસ્યુટિકલ હબમાંથી એક આવેલું છે. અહીં આશરે 350 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ કાર્યરત છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઉપયોગમાં લેવાતી લગભગ દર ત્રીજી દવા BBN વિસ્તારમાં બને છે.

ત્રણ લાખ લોકોને રોજગાર

સોલનના ઔદ્યોગિક ક્ષેત્રમાં અંદાજે 3 લાખ લોકોને રોજગાર મળ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત BBNમાં મોટું ટ્રાન્સપોર્ટ નેટવર્ક પણ છે, જેમાં આશરે 10 હજાર વાહનો અને 3,100 કોમર્શિયલ વાહનોનો સમાવેશ થાય છે.

આ ઔદ્યોગિક ક્લસ્ટર રાજ્યના GSTમાં લગભગ 29 ટકા યોગદાન આપે છે. જ્યારે રાજ્યની કુલ વીજળી વપરાશમાં BBNનો હિસ્સો લગભગ 45 ટકા હોવાનું જણાવાયું છે.

BBN ક્લસ્ટરનું ટર્નઓવર લગભગ 1 લાખ કરોડ રૂપિયા

બદ્દી-બરોટીવાલા-નાલાગઢ ઔદ્યોગિક ક્લસ્ટરમાં આશરે 2,406 ઉદ્યોગો આવેલા છે. તેમાંથી 2,165 ઉદ્યોગો માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલે કે MSME કેટેગરીમાં આવે છે.

આ ક્લસ્ટરનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 1 લાખ કરોડ રૂપિયા હોવાનું અનુમાન છે. રિપોર્ટ અનુસાર, BBN ઔદ્યોગિક વિસ્તારથી દર વર્ષે લગભગ 18 હજાર કરોડ રૂપિયાનું નિકાસ થાય છે.

સોલનની વધતી પ્રતિ વ્યક્તિ આવક પાછળ અહીંનું મજબૂત ઔદ્યોગિક માળખું અને BBN ઔદ્યોગિક ક્લસ્ટરની મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું આંકડા પરથી સ્પષ્ટ થાય છે.

આ પણ વાંચો : સિંગાપોર જઈ રહેલી IndiGoની ફ્લાઇટ 2.5 કલાક બાદ પરત ફરી, 127 મુસાફરોને સુરક્ષિત ઉતારાયા

Back to top button