હાઇકોર્ટે આસારામને આપી મોટી રાહત: સુરત દુષ્કર્મ કેસમાં જામીન એક મહિનો લંબાવ્યા

HD ન્યૂઝ, 3 જુલાઈ, 2025: સુરતની યુવતી સાથેના દુષ્કર્મકેસમાં ગાંધીનગર કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી છે. તેને આ સજા સામે ગુજરાત હાઇકોર્ટમાં અપીલ પણ દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુધી તબીબી કારણોસર વચગાળાના જામીન આપ્યા હતા, તેથી વધુ જરૂર પડે તો હાઇકોર્ટમાં જવાની છૂટ આપી હતી, જેથી ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજી પર માર્ચ મહિનામાં 30 જૂન સુધીના 03 મહિનાના જામીન ગ્રાહ્ય રાખ્યા હતા.
હવે આસારામ દ્વારા આ જામીન અરજીને લંબાવવા માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. એના પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઇકોર્ટે એક મહિનો જામીન લંબાવ્યા છે. હંગામી જામીન વધારવાની અરજી પર દોઢ કલાક કરતાં વધુ સમય સુધી સુનાવણી ચાલી હતી. આસારામે વધુ 03 મહિના જામીન વધારવા માટે માગ કરી હતી. હાઇકોર્ટમાં ડબલ જજની બેંચે આ જામીન છેલ્લી વખત 01 મહિનો વધાર્યા છે.
જાણો શું હતો મામલો
સુરતની મહિલાએ આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. 1997થી 2006 દરમિયાન અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામ દ્વારા શારીરિક શોષણ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વર્ષ 2013માં આસારામ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદ ગાંધીનગર ટ્રાન્સફર કરવામાં આવી હોવાથી આસારામ સામે ગાંધીનગરમાં કેસ ચાલ્યો હતો, જેમાં ગાંધીનગર કોર્ટ દ્વારા 2023માં આસારામને દોષિત ઠેરવવામાં આવ્યો હતો.












