ઉત્તર ગુજરાતકૃષિગુજરાતટ્રેન્ડિંગફૂડબિઝનેસ

ઊંઝા ખાતે જીરુંની ચિક્કાર આવક, હોળી બાદ રાજસ્થાનની આવક શરૂ થશે

ઊંઝા, 1 માર્ચ: હવે ઉનાળાનો તડકો શરૂ થઇ ગયો છે ત્યારે ઊંઝા ખાતે જીરુંની આવક દિન પ્રતિદિન ચિક્કાર બનતી રહી છે. દર વર્ષની જેમ જ આ વર્ષે પણ રાજસ્થાનના જીરુની આવક હોળી બાદ શરૂ થશે. ચાલુ સપ્તાહે ઊંઝા ગંજબજારમાં જીરુંની 20થી 25 હજાર બોરીઓ આવી હતી. તેમાં નવા અને જૂના એમ બન્ને માલમાં ઘરાકી રહે છે. હાલમાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવો માલ આવી રહ્યો છે. જ્યારે વરિયાળીમાં પાવાગઢ સાઇડથી પણ ગ્રીન માલ આવવાનો શરૂ થઇ ગયો છે.

જીરામાં સૌરાષ્ટ્ર અને કચ્છથી નવા માલની આવક 18થી 25 હજાર બોરી રહી હતી. જોકે આવતા સપ્તાહમાં વધીને 30 હજારથી ઉપર જશે તેમ મનાય છે. એનસીડેક્સ પર વાયદો મજબૂત હોવાથી હાજરમાં પણ રૂ. 50નો સુધારો જોવા મળ્યો હતો. હાલમાં નવી ઘરાકી શરૂ થઇ ગઇ છે. ત્યારે નવા હલકા માલના રૂ. 3900થી 4200, મીડિયમના રૂ. 4400 અને સારા માલના રૂ. 4500થી 4800 અને સુપર બોલ્ડના રૂ. 4900થી 5000ના ભાવ રહ્યા હતા. જ્યારે જૂના માલની 2500થી 3000 બોરીની આવક છે, તેના જનરલ ભાવ રૂ. 3900થી 4150 સુધીના ભાવ રહ્યા હતા. રોજીંદા 20થી 22 હજાર વેપાર પણ થાય છે.

રાજસ્થાનના આબુરોડ અને પાવાગઢ સાઇડથી વરિયાળીમાં નવા માલની આવક થઇ રહી છે. વરિયાળીમાં દૈનિક 6થી 7 હજાર બોરીના વેપાર થાય છે. નવા માલના રૂ. 3થી 8 હજાર સુધીના ભાવ છે, જ્યારે આબુ રોડ અને પાવાગઢના ગ્રીન માલના રૂ. 7થી 8 હજારના ભાવ ચાલી રહ્યા છે. જૂના માલમાં પણ ઘરાકીને ટેકે ભાવમાં રૂ. 250 સુધારો થયો છે. જૂના માલના સરેરાશ ભાવ રૂ. 1400થી 2500 સુધીના રહ્યા હતા. જોકે તેમાં હલકા અને મિડીયમ માલનો સમાવેશ થાય છે.

ઇસબગૂલમાં 2 હજારથી 350 બોરીની આવક થાય છે. તેમજ વેપાર 6થી 7 હજાર બોરીના થાય છે. તેના જનરલ ભાવ રૂ. 2450થી 2900 સુધીના છે.

અજમામાં ખાસ કોઇ આવક નથી. તેમાં જૂના માલના ઘટ્યા ભાવે રૂ. 250નો સુધારો થયો છે તેના ભાવ રૂ. 1500થી 2200 સુધીના રહ્યા હતા. જૂના ભાવ રૂ. 1300થી 2200 હતા તેમાં વધારો થયો છે.

ધાણાની સૌરાષ્ટ્રમાંથી અને પાટણના સાંતલપુર તાલુકાની આવક શરૂ થઇ છે. તેની 3500થી 4000 બોરીની આવક થાય છે અને ધીમે ધીમે વધશે. તેના હલકા માલના રૂ. 1200થ 1400 અને મીડિયમના રૂ. 1600થી 1800 અને સારા માલના રૂ. 2000થી 2500 રહ્યા હતા. આ વર્ષે ઓછા ઉત્પાદનની ધારણાએ ભાવ ઊંચા છે. પાછલા વર્ષે 1100થી 1800 અને સારા માલના રૂ. 2000 હતા તે આ વર્ષે 300થી 400નો વધારો છે. રાયડાની 500થી 600 પરચૂરણ આવક થાય છે. તેના જનરલ ભાવ રૂ. 950થી 1150 રહ્યા હતા.

આ પણ વાંચોઃ IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી, જુઓ વીડિયો

Back to top button