ટ્રેન્ડિંગનેશનલ

‘બંધ રૂમમાંથી ખેંચીને બહાર લાવીશું…’, રાજ્યસભામાં અમિત શાહ અંગે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનથી ભારે હોબાળો

Rajyasabha: રાજ્યસભામાં એન્ટી પેપર લીક બિલ (Anti-Paper Leak Bill) પર ચર્ચા દરમિયાન ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ૨૦ જુલાઈના રોજ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા બળપ્રયોગ માટે સીધા ગૃહમંત્રીને જવાબદાર ઠેરવી તેમના રાજીનામાની માંગ કરી હતી. ખડગેએ કહ્યું કે હોમ મિનિસ્ટર ગૃહમાં આવતા નથી, પરંતુ તેઓ વધુ દિવસો સુધી બંધ રૂમમાં છુપાઈને રહી શકશે નહીં.

રાજ્યસભામાં કાયદા પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ આકરા પ્રહારો કરતા કહ્યું કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે તેમના હાથ-પગ ભાગી ગયા. આનો જવાબદાર કોણ છે? તેમણે સીધો સવાલ ઉઠાવતા કહ્યું કે આના માટે ગૃહમંત્રી જવાબદાર છે.

ખડગેએ પોતાના સંબોધનની શરૂઆત કાવ્યાત્મક પંક્તિઓથી કરી:

“પેપર ચોરનારા બચતા રહ્યા,

મહેનત કરનારા પીટાતા રહ્યા,

આ કેવો ન્યાય, આ કેવી રીત,

ગુનેગારો હસતા રહ્યા, માસૂમો સીસકતા રહ્યા!!”

તેમણે આગળ ઉમેર્યું કે પોલીસની કાર્યવાહીમાં કોઈ વિદ્યાર્થીના હાથમાં ઈજા થઈ તો કોઈના કાનમાં. કોઈનો પગ તૂટી ગયો. દિલ્હીના આંદોલનમાં ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે અને ઘણા હોસ્પિટલમાં દાખલ છે. આ બધું જોઈને આપણને શરમ આવે છે, પરંતુ સરકારને શરમ આવે છે કે નહીં તે ખબર નથી.

‘બંધ રૂમમાં વધુ દિવસ છુપાઈ નહીં શકો’

વિપક્ષી સાંસદોની પાટલી થાપટવાના અવાજ વચ્ચે ખડગેએ કહ્યું, “તમે બંધ રૂમમાં બેસીને મારી વાત સાંભળી રહ્યા હશો, પરંતુ તમે બંધ રૂમમાં વધુ દિવસ છુપાઈ શકશો નહીં. એક દિવસ અમે બહાર ખેંચીને લાવીશું અને જનતા સામે બતાવીશું.”

ભાવનાઓમાં ન વહો: જે.પી. નડ્ડાની વિપક્ષને સલાહ

મલ્લિકાર્જુન ખડગેની આ ટિપ્પણી પર સત્તાપક્ષ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે વિપક્ષના નેતા તર્ક આપતી વખતે ભાવનાઓમાં ન વહી જાય. ગૃહમાં અસંસદીય શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. તેમણે સભાપતિ પાસે આ શબ્દોને સદનની કાર્યવાહીમાંથી હટાવવાની (Expunge) માંગ કરી હતી.

ખડગેએ આપી સફાઈ

હોબાળા બાદ ખડગેએ પોતાના નિવેદન પર સફાઈ આપતા કહ્યું કે તેઓ ક્યારેય અસંસદીય શબ્દોનો ઉપયોગ કરતા નથી. “અમે” નો અર્થ જનશક્તિ અને વિદ્યાર્થીઓ છે. મેં એવું નથી કહ્યું કે અમે રૂમમાં જઈને ખેંચીને બહાર કાઢીશું. મારો કહેવાનો મતલબ એ હતો કે આ જનશક્તિ તમને બહાર ખેંચી લાવશે. ઓછામાં ઓછું બહાર આવીને સદનમાં તો બેસો, બોલો, સાંભળો અને જવાબ આપો.

‘નવા બિલમાં માત્ર આંકડા બદલાયા છે’

ગૃહમંત્રીના રાજીનામાની માંગ દોહરાવતા કોંગ્રેસ નેતાએ કહ્યું કે સદનમાં ચર્ચા માટે આવેલું આ નવું બિલ માત્ર આંકડાઓનો ખેલ છે. વધુ દંડ, કડક સજા, સ્પેશિયલ ટાસ્ક ફોર્સથી કંઈ ફરક પડવાનો નથી. અસલી સવાલ એ છે કે પરીક્ષા સિસ્ટમને મજબૂત કેવી રીતે બનાવવી જેથી પેપર લીક જ ન થાય. સરકારે ૨૦૨૪માં જ આ બાબતે ધ્યાન આપવું જોઈતું હતું, પરંતુ ત્યારે લોકસભા ચૂંટણી જીતવા માટે ઉતાવળમાં કાયદો લાવવામાં આવ્યો હતો, જેના કારણે ૨ વર્ષની અંદર જ સુધારો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચોઃ સુરતના ડીંડોલીમાં મોડી રાત્રે ગેંગવોર: ‘ગુજસીટોક’ના આરોપી પ્રવીણ ઉર્ફે ‘આંબા’ની હત્યા

આ પણ વાંચોઃ વિવાદિત કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી કરાઈ ધરપકડ, અસામાજિક પ્રવૃતિ અટકાવવા લેવાયું પગલું

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button