ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને ટ્રાફિક જામ

Heavy rains affect public life: અમદાવાદમાં આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. સતત વરસાદને કારણે મુખ્ય માર્ગો, અંડરપાસ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પર ભારે અસર પડી હતી. શહેરના અનેક વિસ્તારોમાં લાંબા ટ્રાફિક જામ સર્જાતા ઓફિસ જતાં કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મહેમદાવાદમાં 20 ઇંચ
સૌથી વધુ ખરાબ સ્થિતિ ખેડાના મહેમદાવાદમાં જોવા મળી છે, જ્યાં 24 કલાકના ટૂંકા ગાળામાં જ 20 ઇંચ જેટલો અતિભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત અમદાવાદના ધોળકામાં પણ 19 ઇંચ વરસાદ ઝીંકાતા ચારેય તરફ પાણી જોવા મળી રહ્યું છે
ખેડાના માતરમાં 15 ઇંચ, વિરમગામમાં 15 ઇંચ, ડાંગના વઘઈમાં 15 ઇંચ, નવસારીના વાંસદામાં 15 ઇંચ અને ગણદેવીમાં 13.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય અમદાવાદના માંડલ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકામાં 12ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી કલાકોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી તંત્ર દ્વારા લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.
ચીખલી અને ખેરગામમાં 18 ઇંચ
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ મેઘરાજા આક્રમક મૂડમાં જોવા મળ્યા છે; નવસારીના ચીખલી અને ખેરગામમાં 18 ઇંચ, વલસાડના ઉમરગામમાં 17.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 17 ઇંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં રેડ એલર્ટ
ભારે વરસાદને કારણે શહેરના અનેક અંડરપાસોમાં પાણી ભરાઈ ગયા હતા, જ્યારે કેટલાક માર્ગો પર વાહનો ફસાઈ જવાની ઘટનાઓ પણ સામે આવી હતી. સુરક્ષાના ભાગરૂપે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને નાગરિકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી.
રાહત અને બચાવ કામગીરી તેજ
રાજ્યમાં ભારે વરસાદને પગલે રાહત અને બચાવ કામગીરી પણ તેજ કરવામાં આવી છે. રાજ્ય સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF સહિતની ટીમોને તૈનાત કરવામાં આવી છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે, જ્યારે જરૂરી સ્થળોએ રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી ચાલુ છે.
હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન પણ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તંત્રે નાગરિકોને પાણી ભરાયેલા રસ્તાઓ અને અંડરપાસમાંથી પસાર ન થવા તેમજ હવામાન અંગેની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : ઉપવાસ સામે સરકાર ઝૂકી: સોનમ વાંગચુકે કહ્યું- મને લેખિતમાં ખાતરી અપાઈ, સરકારે આ 3 માગ સ્વીકારી












