ગુજરાતટોપ ન્યૂઝ

ચોમાસા પૂર્વે જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, રાજ્યમાં આગામી બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી

Gujarat rain and thunderstorm forecast: ગુજરાતમાં જૂન મહિનાની શરૂઆત સાથે જ વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનતાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે. સોમવારે રાજ્યના 150થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જ્યારે હવે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. સાથે જ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલમાં ગુજરાત પર ત્રણ અલગ-અલગ હવામાનીય સિસ્ટમો સક્રિય છે. બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આ સિસ્ટમોના પ્રભાવ હેઠળ આગામી બે દિવસ દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

હવામાન વિભાગે 2 અને 3 જૂન માટે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં પવનની ઝડપ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની શક્યતા છે. 3 જૂનના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ યથાવત રહેશે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. અમદાવાદ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન આશરે 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પણ આગામી બે દિવસ ભારે વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ખેડા, પંચમહાલ અને દાહોદ જેવા મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ગુરુવાર સુધી કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે નાગરિકોને વીજળીના કડાકા, ભારે વરસાદ અને તેજ પવન દરમિયાન સાવચેત રહેવા, ખુલ્લા મેદાનોમાં ન જવા, વૃક્ષો નીચે આશરો ન લેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી છે. સાથે જ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો: કોરોના બાદ હવે ઇબોલા સામે જંગ, ભારતીય કંપની બનાવશે વેક્સીન

 

Back to top button