ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત પર એક સાથે ચાર સિસ્ટમનો ઘેરાવ: આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં આગામી 15 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. તેમાં 12 ઓગસ્ટ સુધી ઉત્તર, મધ્ય સહિતના જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી છે. 11 ઓગસ્ટના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

10થી 12 ઓગસ્ટ: તેજ પવન સાથે વરસાદી માહોલ

ઉત્તર ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદી માહોલ સક્રિય છે. આગામી 10થી 12 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા સહિતના અનેક વિસ્તારોમાં 30-40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. વીજળીના કડાકા-ભડાકા સાથે દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

13થી 15 ઓગસ્ટ: રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ

આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે રાજ્યના છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે.

એકસાથે સક્રિય સિનોપ્ટિક સિસ્ટમ્સ

હવામાન વિભાગ અનુસાર હાલ નીચેની સિસ્ટમ્સ સક્રિય છે:

  • મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પરથી પસાર થતી મોન્સૂન ટ્રફ હાલ બીકાનેર, ગ્વાલિયર, ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને સંલગ્ન છત્તીસગઢ પર સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમના કેન્દ્ર, પુરી થઈને દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાયેલી છે. આ ટ્રફ દરિયાઈ સપાટીથી 3.1 કિ.મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલી છે.
  • લો-પ્રેશર એરિયા: ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ અને તેને અડીને આવેલા છત્તીસગઢ પર સ્થિત લો-પ્રેશર ક્ષેત્ર 9 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 2:30 કલાકે તે જ વિસ્તારમાં યથાવત છે. તેની સાથે સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિ.મી.ની ઊંચાઈ સુધી લંબાયેલું છે અને ઊંચાઈ સાથે દક્ષિણ-પશ્ચિમ તરફ નમેલું છે.
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: મધ્ય ટ્રોપોસ્ફિયરિક પશ્ચિમી પવનોમાં ટ્રફ સ્વરૂપે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરિયાઈ સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ 29°N અક્ષાંશની ઉત્તરે અને 64°E રેખાંશ પર સક્રિય છે.
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન: દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર પર દરિયાઈ સપાટીથી 5.8 કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ પણ સ્થિર છે.

નાગરિકોને સલાહ આપવામાં આવી છે કે યલો એલર્ટવાળા વિસ્તારોમાં વધુ સાવધાની રાખે અને હવામાન વિભાગની નવીનતમ આગાહીઓ પર નજર રાખે.

આ પણ વાંચો: શરમજનક ઘટના: ગાંધીનગરમાં સગીરા સાથે હોટલમાં દુષ્કર્મ, અતિશય બ્લિડિંગ થતાં મોત થયું

Back to top button