ગુજરાતટોપ ન્યૂઝ

સુરતના મોટા વરાછામાં વ્યાજખોરીનું વરવું રૂપ: નાણાંની પઠાણી ઉઘરાણી માટે યુવકને ઓફિસમાં પૂરીને ઢોર માર માર્યો

Surat Mota Varachha Loan Shark Assault: સુરત શહેરમાં વ્યાજખોરો સામે પોલીસ કમિશનરની કડક કાર્યવાહીના દાવાઓ વચ્ચે ફરી એકવાર વ્યાજખોરીનો ભયાનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોટા વરાછા વિસ્તારમાં વ્યાજે આપેલા નાણાંની પઠાણી ઉઘરાણી કરવા માટે એક યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક ઢોર માર મારવામાં આવ્યો હોવાની સનસનીખેજ ઘટના બની છે. આ સમગ્ર અત્યાચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ઉત્રાણ પોલીસ દોડતી થઈ ગઈ છે.

એક પછી એક એમ 5 લાફા ચોડી દીધા

મળતી માહિતી મુજબ, પીડિત યુવકે વ્યાજે રૂપિયા લીધા બાદ સમયસર રકમ ચૂકવી શક્યો ન હતો. આથી વ્યાજખોરે હિસાબ કરવાના બહાને તેને પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો. યુવક ઓફિસ પહોંચતા જ વ્યાજખોર અને તેના સાગરીતોએ ઓફિસનો દરવાજો અંદરથી બંધ કરી તેને ઘેરી લીધો હતો. ત્યારબાદ ઉઘરાણીના નામે માનસિક અને શારીરિક ત્રાસ આપીને એક પછી એક 5 કાનતફડ માર્યા હતા અને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.

વીડિયો સામે આવતા જ લોકોમાં વ્યાજખોર સામે ભારે આક્રોશ

ઓફિસની અંદર બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. શહેરમાં વ્યાજખોરો સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવતી હોવા છતાં આ રીતે જાહેરમાં કાયદો હાથમાં લેવાની ઘટના સામે આવતા સામાન્ય જનતાની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ઉત્રાણ પોલીસે વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

વીડિયો વાયરલ થતાં જ હરકતમાં આવેલી ઉત્રાણ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે વીડિયો ફૂટેજના આધારે માર મારનાર શખસો અને ભોગ બનનાર યુવકની ઓળખ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે કાયદો હાથમાં લેનાર કોઈ પણ વ્યાજખોરને બક્ષવામાં આવશે નહીં. હાલ પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ડેન્ગ્યુએ બાળકોને ભરડામાં લીધાં: 20 દિવસમાં 183 કેસ, 8 વર્ષના બાળકનું મોત

Back to top button