ગુજરાતમધ્ય ગુજરાત

ગોધરા કાંડના 7 દોષિતોને રાહત: હાઈકોર્ટે પેરોલ 10 ડિસેમ્બર સુધી લંબાવી

Godhra Parole Extension :  2002ના ગોધરા કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 7 દોષિતોને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી છે. રાજ્ય સરકાર સમક્ષ તેમની સજા માફી અને વહેલી મુક્તિની અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી હાઈકોર્ટે અગાઉ મંજૂર કરેલી પેરોલ (Parole) 10 ડિસેમ્બર સુધી લંબાવવાનો આદેશ આપ્યો છે.

પેરોલ લંબાવવા 7 દોષિતોએ હાઈકોર્ટમાં કરી અરજી

28 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા રેલવે સ્ટેશન નજીક સાબરમતી એક્સપ્રેસના S-6 કોચમાં આગ લગાડવામાં આવી હતી. અયોધ્યાથી પરત ફરી રહેલા મુસાફરોની ટ્રેનના આ કોચમાં આગ લાગતાં 59 લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં કુલ 31 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.

આ પૈકી મહેબૂબ પોપા, મહેબૂબ લતીફો, જાબીર બિન્યામીન બેહરા, રમજાની બિન્યામીન બેહરા, શોકત બીબીનો, સિરાજ મેડા અને અનવર મેડા નામના 7 દોષિતોએ પેરોલ (Parole) લંબાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેમને જૂન અને જુલાઈ મહિનામાં ચાર મહિનાના સમયગાળા માટે પેરોલ મંજૂર કરવામાં આવી હતી.

સજા માફીની અરજીઓ સરકાર સમક્ષ પેન્ડિંગ

આ દોષિતોએ અગાઉ પણ સજા માફી (Remission) અને વહેલી મુક્તિ માટે અરજી કરી હતી, પરંતુ તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ એક વર્ષ પછી તેમણે ફરીથી સજા માફી માટે રજૂઆત કરી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ અરજીઓ રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ હોવાથી હાઈકોર્ટે અગાઉ તેમને ચાર મહિના માટે પેરોલ પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય સરકારને સજા માફીની અરજીઓ પર શક્ય તેટલી વહેલી તકે અને પ્રાધાન્યના ધોરણે ચાર મહિનામાં નિર્ણય લેવા પણ જણાવ્યું હતું.

22 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો

હાઈકોર્ટે મહેબૂબ પોપાની અરજીની સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે તેમણે અત્યાર સુધીમાં 22 વર્ષ અને 11 મહિનાનો જેલવાસ ભોગવ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કોર્ટે તેમને ચાર મહિના માટે અથવા રાજ્ય સરકાર સજા માફી અંગે નિર્ણય લે ત્યાં સુધી, બેમાંથી જે સમયગાળો વહેલો પૂર્ણ થાય ત્યાં સુધી પેરોલ પર મુક્ત રાખવાનો આદેશ આપ્યો હતો.

સરકારના વિલંબથી દોષિતોને પેરોલનો લાભ

ચાર મહિનાનો સમયગાળો પૂર્ણ થયા બાદ પણ રાજ્ય સરકાર દ્વારા સજા માફીની અરજીઓ પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી દોષિતોએ ફરીથી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારી વકીલે પેરોલ લંબાવવાની માંગનો વિરોધ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે સ્પષ્ટ ટકોર કરતાં કહ્યું હતું કે, સરકાર એક તરફ સજા માફીની અરજીઓ પર નિર્ણય લેતી નથી અને બીજી તરફ દોષિતોને પેરોલ આપવાનો પણ વિરોધ કરે છે, તે બંને બાબતો એકસાથે ન ચાલી શકે. કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે, જ્યાં સુધી રાજ્ય સરકાર સજા માફીની અરજીઓ પર નિર્ણય ન લે ત્યાં સુધી દોષિતોની પેરોલ લંબાવવી પડશે. સરકાર નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે તેમાં દોષિતોનો કોઈ વાંક નથી. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટે અગાઉ મંજૂર કરવામાં આવેલી પેરોલ રજા 10 ડિસેમ્બર સુધી લંબાવી છે અને કેસની વધુ સુનાવણી પણ 10 ડિસેમ્બરે રાખી છે.

આ પણ વાંચો : જૂનાગઢની લીલી પરિક્રમાને લઈને રેલવેનો મોટો નિર્ણય! રાજકોટથી જૂનાગઢ વચ્ચે દોડશે 2 જોડી સ્પેશિયલ ટ્રેનો

Back to top button