પોલંપોલ: ભરુચમાં 66 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ખાલી 100 દિવસમાં મોટી તિરાડો પડી

ભરૂચ જિલ્લામાં સરકારી વિકાસકાર્યોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. જંબુસર અને આમોદ તાલુકાને જોડતા ડોલીયા-દેણવા બ્રિજના નિર્માણમાં કથિત ગેરરીતિઓની ચર્ચાએ જોર પકડ્યું છે. અંદાજે રૂ. 66 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આ બ્રિજના લોકાર્પણને હજુ માંડ 100 દિવસ જ થયા છે, ત્યાં તેના RCC માર્ગ પર મોટી તિરાડો દેખાવા લાગી છે. આ સ્થિતિને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપ
મળતી માહિતી મુજબ, રૂ. 66 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું કામ મહેસાણાની રાધે એસોસિએટ્સ દ્વારા કરવામાં આવ્યું હતું. બ્રિજના RCC માર્ગ પર તિરાડો પડતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઊઠી રહ્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે બાંધકામમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો હોઈ શકે છે.
આ મામલે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. લોકમુખે સવાલ ઊઠી રહ્યો છે કે જે બ્રિજના માર્ગમાં માત્ર 100 દિવસમાં તિરાડો પડવા લાગી હોય, તેની એક વર્ષ બાદ શું સ્થિતિ થશે? આટલા મોટા ખર્ચે બનેલા જાહેર માળખાની ગુણવત્તા જાળવવામાં આવી કે નહીં તે અંગે તપાસની માગ ઊઠી છે.
ફિટનેસ સર્ટિફિકેટ આપનારા અધિકારીઓ સામે પણ સવાલ
બ્રિજના નિર્માણ બાદ તેની ગુણવત્તા અને સલામતી અંગે ફિટનેસ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે યોગ્ય સ્થળ નિરીક્ષણ અને ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ થવી જોઈએ.
જો રૂ. 66 કરોડના કામમાં આટલા ઓછા સમયમાં ખામીઓ સામે આવી રહી હોય તો તેની જવાબદારી કોની? કોન્ટ્રાક્ટર ઉપરાંત કામની દેખરેખ રાખનારા અને મંજૂરી આપનારા અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવવી જોઈએ તેવી માગ થઈ રહી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણાએ પણ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને સમગ્ર મામલે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
ભરૂચ જિલ્લામાં અગાઉ પણ વિકાસકાર્યોની ગુણવત્તા સામે સવાલો
ભરૂચ જિલ્લામાં અગાઉ પણ અનેક સરકારી બાંધકામોની ગુણવત્તા અંગે વિવાદો સામે આવ્યા છે. અંકલેશ્વરના ONGC બ્રિજ અને અંદાડા ગામના કરોડો રૂપિયાના RCC રોડના કામમાં પણ ગેરરીતિના આક્ષેપો થયા હતા. અંદાડા ગામના રોડ મામલે જિલ્લા પંચાયતને રોડ તોડી ફરીથી બનાવવાનો આદેશ આપવાની ફરજ પડી હતી.
આ ઉપરાંત પરીએજ ગામે ભૂખી ખાડી પર બનાવવામાં આવેલું નાળું લોકાર્પણના માત્ર એક મહિનામાં જ તૂટી ગયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જ્યારે આમોદના નેશનલ હાઈવે-64નો રસ્તો ચોમાસા દરમિયાન જ ધોવાઈ જતાં બાંધકામની ગુણવત્તા અંગે સવાલો ઊઠ્યા હતા.
પ્રજાના કરોડો રૂપિયાનો હિસાબ કોણ આપશે?
ડોલીયા-દેણવા બ્રિજના RCC માર્ગમાં પડેલી તિરાડોએ ફરી એકવાર સરકારી વિકાસકાર્યોની ગુણવત્તા અને જવાબદારીના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. વારંવાર બાંધકામમાં ખામીઓ સામે આવતાં કોન્ટ્રાક્ટરોની કામગીરીની સાથે સરકારી અધિકારીઓની દેખરેખ અને તપાસની પ્રક્રિયા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.
હવે સ્થાનિકોની મુખ્ય માગ છે કે બ્રિજના બાંધકામની સ્વતંત્ર અને ટેકનિકલ તપાસ કરવામાં આવે, તિરાડો પડવાનું ચોક્કસ કારણ શોધવામાં આવે અને જો કોઈ ગેરરીતિ કે બેદરકારી સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે જાહેર નાણાંમાંથી બનેલા આવા માળખાની સલામતી સાથે કોઈ બાંધછોડ ન થવી જોઈએ.
આ પણ વાંચો: આજે ફરી સોના-ચાંદીના ભાવ ધડામ થયા, જાણો આજના લેટેસ્ટ રેટ











