ગુજરાત સાયન્સ સિટી ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, વિકસિત ભારત માટે વિજ્ઞાનનું સંકલ્પ

અમદાવાદ સ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ગૌરવમય અને ઉત્સાહભરી ઉજવણી યોજાઈ. આ અવસરે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સેક્રેટરી શ્રીમતી પી. ભારતી, IASના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજારોહણ સાથે રાષ્ટ્રગાનના સૂરો ગુંજી ઉઠતાં સમગ્ર પરિસરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ભાવના છવાઈ ગઈ.
શ્રીમતી પી. ભારતીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “77મા પ્રજાસત્તાક દિવસના પવિત્ર અવસરે ગુજરાત સાયન્સ સિટીમાં ઉપસ્થિત તમામને હાર્દિક શુભેચ્છાઓ. પ્રજાસત્તાક દિવસ આપણને સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના મૂલ્યો સાથે વિજ્ઞાન તથા નવીનતાને રાષ્ટ્રીય પ્રગતિના મજબૂત આધાર તરીકે સ્વીકારવાની પ્રેરણા આપે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ વર્ષ વિશેષ ઐતિહાસિક મહત્વ ધરાવે છે કારણ કે ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થયા છે. ‘વંદે માતરમ્’ માત્ર એક ગીત નથી, પરંતુ રાષ્ટ્રજાગૃતિ અને સામૂહિક સંકલ્પનું જીવંત પ્રતીક છે. આ ભાવના આજે આપણી પ્રયોગશાળાઓ, વર્ગખંડો, સ્ટાર્ટઅપ્સ અને નવીનતા કેન્દ્રોમાં જીવંત બની રહી છે. 21મી સદીમાં વિજ્ઞાન રાષ્ટ્રની સૌથી મોટી શક્તિ છે. તે આરોગ્યનું રક્ષણ કરે છે, પર્યાવરણનું સંરક્ષણ કરે છે, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવે છે અને યુવાનોને સશક્ત બનાવે છે. ગુજરાત આજે નવી ટેકનોલોજી, પ્રોજેક્ટ્સ અને વૈજ્ઞાનિક ઉર્જા સાથે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આગળ વધી રહ્યું છે.
આ પ્રસંગે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી વિમલ કે. પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રજાસત્તાક દિવસના ઐતિહાસિક મહત્વ પર પ્રકાશ પાડતાં કહ્યું કે, ભારતનું સંવિધાન સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના માર્ગે સમાજને આગળ લઈ જવાનું માર્ગદર્શન આપે છે. સાથે જ, સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવામાં ગુજરાત સાયન્સ સિટીની મહત્વની ભૂમિકાને તેમણે રેખાંકિત કરી.
ઉજવણીમાં અધિકારીઓ, કર્મચારીઓ, આમંત્રિત મહેમાનો તથા મુલાકાતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સંવિધાનિક મૂલ્યોનું સ્મરણ કરવામાં આવ્યું અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસમાં વિજ્ઞાન તથા ટેકનોલોજીના યોગદાનને ઉજવવામાં આવ્યું.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ ઉજવણી રાષ્ટ્રપ્રેમ, વૈજ્ઞાનિક ચેતના અને યુવા પેઢીમાં નવી પ્રેરણા જગાવનારી સાબિત થઈ.
આ પણ વાંચો: મોડી રાતે બાવળા-ઝેકડા રોડ પર ભયાનક અકસ્માત, તળાવમાં ડૂબી જતાં યવાનનું મોત












