ઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાત દેશભરમાં નંબર-1

Gujarat investors: શેરબજારમાં નવા રોકાણકારોની નોંધણીના મામલે ઓગસ્ટ 2026 દરમિયાન ગુજરાતે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આંકડા મુજબ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં 2.3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા. દેશભરમાં મહિના દરમિયાન ઉમેરાયેલા નવા રોકાણકારોમાં ગુજરાતનો હિસ્સો 14.6 ટકા રહ્યો હતો. ગુજરાતની આ સિદ્ધિ માત્ર અમદાવાદ, સુરત કે રાજકોટ જેવા મોટા શહેરો પૂરતી સીમિત રહી નથી. રાજ્યના પાંચ જિલ્લાઓ દેશના ટોપ-10માં અને કુલ 10 જિલ્લાઓ રાષ્ટ્રીય ટોપ-20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.
ગુજરાતના પાંચ જિલ્લા દેશના ટોપ-10માં
નવા રોકાણકારોની જિલ્લા સ્તરની નોંધણીમાં અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢ દેશના ટોપ-10 જિલ્લાઓમાં સામેલ થયા છે. જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગરનો રાષ્ટ્રીય ટોપ-20માં સમાવેશ થયો છે. આ આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં શેરબજાર પ્રત્યેનો રસ હવે માત્ર મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ નાના અને મધ્યમ શહેરોમાં પણ ઝડપથી વધી રહ્યો છે.
અમદાવાદમાં 35,400 નવા રોકાણકાર
જિલ્લાવાર નોંધણીમાં દિલ્હી-NCR 75,800 નવા રોકાણકારો સાથે પ્રથમ સ્થાને રહ્યું. મુંબઈમાં 53,300 નવા રોકાણકાર નોંધાયા હતા. અમદાવાદમાં ઓગસ્ટ દરમિયાન 35,400 નવા રોકાણકારો ઉમેરાયા હતા, જ્યારે સુરતમાં 30,200 નવા રોકાણકાર નોંધાયા. ભાવનગરમાં 26,800 નવા રોકાણકારો ઉમેરાયા હતા. બેંગલુરુમાં 19,500, રાજકોટમાં 18,800 અને જયપુરમાં 18,700 નવા રોકાણકારોની નોંધણી થઈ હતી. ટોચના પાંચ જિલ્લાઓ મળીને ઓગસ્ટ દરમિયાન દેશભરમાં થયેલી કુલ નવી રોકાણકાર નોંધણીના આશરે 11.5 ટકા હિસ્સા માટે જવાબદાર રહ્યા હતા.
ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડ્યું
રાજ્ય સ્તરની વાત કરવામાં આવે તો ઓગસ્ટ 2026માં ગુજરાતે ઉત્તરપ્રદેશને પાછળ છોડીને દેશભરમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતમાં 2.3 લાખ નવા રોકાણકારો ઉમેરાયા હતા, જે રાષ્ટ્રીય નવી નોંધણીના 14.6 ટકા છે. ઉત્તરપ્રદેશમાં 2 લાખ નવા રોકાણકારો નોંધાયા અને તેનો હિસ્સો 12.9 ટકા રહ્યો હતો. મહારાષ્ટ્રમાં 1.6 લાખ નવા રોકાણકારો સાથે 10.2 ટકા હિસ્સો નોંધાયો. રાજસ્થાનમાં 1.1 લાખ એટલે કે 7.1 ટકા અને તામિલનાડુમાં 90 હજાર નવા રોકાણકારો સાથે 5.7 ટકા હિસ્સો રહ્યો. આ ટોચના પાંચ રાજ્યો મળીને ઓગસ્ટ મહિનામાં સમગ્ર દેશમાં થયેલી નવી રોકાણકાર નોંધણીના 50.5 ટકા હિસ્સા માટે જવાબદાર રહ્યા હતા.
IPOની લહેરથી નાના શહેરોના રોકાણકારોમાં પણ રસ
Association of National Exchanges Members of India (ANMI)ના ડિરેક્ટર વૈભવ શાહના જણાવ્યા મુજબ, એક જ રાજ્યના 10 જિલ્લાઓનું દેશના ટોપ-20માં સ્થાન મેળવવું સંભવતઃ પ્રથમ વખત બન્યું છે. તેમના મતે ગુજરાતમાં શેરબજારમાં રોકાણની મજબૂત પરંપરા પહેલેથી જ છે. સાથે જ ચાલી રહેલી IPOની લહેરને કારણે નાના શહેરો અને જિલ્લાઓમાંથી પ્રથમ વખત રોકાણ કરનારા લોકો પણ શેરબજાર તરફ આકર્ષાઈ રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ ગુજરાતના ચાર જિલ્લા ટોપ-10માં આવ્યા હતા
ગુજરાતે સપ્ટેમ્બર 2024માં પણ રાષ્ટ્રીય સ્તરે મજબૂત પ્રદર્શન કર્યું હતું. તે સમયે અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર દેશના ટોપ-10 જિલ્લાઓમાં સામેલ થયા હતા. હવે ઓગસ્ટ 2026ના આંકડાઓએ દર્શાવ્યું છે કે રાજ્યમાં રોકાણકાર નેટવર્કનો વિસ્તાર વધુ વ્યાપક બન્યો છે અને નવા રોકાણકારોની નોંધણી હવે અનેક નાના જિલ્લાઓમાં પણ ઝડપથી વધી રહી છે.












