ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં અત્યાર સુધીમાં 43.76 ટકા વરસ્યો વરસાદ, જાણો વિગતવાર

ગાંધીનગર, તા. 6 જુલાઈ, 2025: ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. માત્ર 20 દિવસમાં જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને કવર કરી લીધું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં સીઝનનો સરેરાશ 43.76 ટકા વરસાદ વરસી ચુક્યો છે. કચ્છમાં 41.78 ટકા, ઉત્તર ગુજરાતમાં 39.15 ટકા, પૂર્વ મધ્યમાં 42.42 ટકા, સૌરાષ્ટ્રમાં 43.71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 47.41 ટકા વરસાદ પડ્યો છે.

રાજ્યમાં સરદાર સરોવર ડેમ કુલ ક્ષમતાના 47.55 ટકા ભરાયેલો છે. રાજ્યના 206 જળાશયો પૈકી 19 ડેમ 100 ટકા ભરાયા છે. 43 ડેમ 70 થી 100 ટકા, 45 ડેમ 50 થી 70 ટકા, 51 ડેમ 25 થી 50 ટકા, 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 28 ડેમ હાઈએલર્ટ, 18 એલર્ટ અને 16 વોર્નિંગ પર છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે, 6 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી છે. રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 7 જુલાઈ, સોમવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ, 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે જે 10 જુલાઈ સુધીમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. કેટલાક ભાગમાં 8-10 ઈંચ જેટલો વરસાદ પડશે અને નાના તળાવોના પાળા તૂટી જાય તેવી સંભાવના રહેલી છે, 18 જુલાઈથી વરસાદનું જોર ઘટશે અને ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. 24 થી 30 જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થશે અને 2 થી 8 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. આ ઉપરાંત તાપી અને નર્મદા નદી બે કાંઠે થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.

આ પણ વાંચોઃ  ગુજરાતમાં આવતીકાલથી ઘરે બેઠા લર્નિંગ લાઇસન્સની મળશે સુવિધા, આ રીતે કરો અરજી

Back to top button