દક્ષિણ ગુજરાત પર ફરી મેઘમહેર, વલસાડમાં 3.75 ઇંચ વરસાદ, જુઓ આંકડા

વલસાડ, તા. 10 ઓગસ્ટ, 2025: ગુજરાતમાં લાંબા સમયબાદ વરસાદનું આગમન થયું છે. વલસાડ જિલ્લામાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ છે. વલસાડ શહેરમાં 4 કલાકમાં 3.78 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. વહેલી સવારે પડેલા ભારે વરસાદને લઈને એમજી રોડ ઉપર નીચાણવાળા વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
16 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગના આંકડા અનુસાર, વહેલી સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડમાં સૌથી વધુ 3.78 ઇંચથી વરસાદ નોંધાયો હતો. પારડીમાં 2.87 ઇંચ, ચીખલીમાં 1.65 ઇંચ વરસાદ નોંધાયો હતો. 13 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગની શું છે આગાહી
હવામાન વિભાગના લાંબાગાળાના પૂર્વાનુમાન મુજબ, આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના છુટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી રહેશે. જો કે, 14 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકે છે. 14થી 21 ઓગસ્ટ સુધી રાજ્યમાં સાર્વત્રિક સામાન્યથી વધુ વરસાદની વરસાદની શક્યતા છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ વરસાદની શક્યતા છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ 69.56 ટકા જળસ્તર નોંધાયું છે. હાલ 28 જળાશયો 100 ટકા ભરાયેલા છે. હજુ 68 જળાશયો એવા છે, જે 50 ટકા પણ ભરાયા નથી. 49 જળાશયો 90 ટકાથી વધુ ભરાયેલા હોવાથી હાઈ એલર્ટ, 21 જળાશયો એલર્ટ જ્યારે 28 જળાશયો વોર્નિંગ હેઠળ છે. સૌરાષ્ટ્રના 141માંથી 15, દક્ષિણ ગુજરાતના 13માંથી 8, મધ્ય ગુજરાતના 17માંથી 4 અને કચ્છના 20માંથી 3 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. ઉત્તર ગુજરાતના 15માંથી હાલ એકપણ જળાશય સંપૂર્ણ ભરાયો નથી.
જળસ્તર 10 ટકાથી ઓછું હોય તેવા 11 જળાશયો છે. જેમાં દેવભૂમિ દ્વારકાના સાની, જામનગરના ઉંડ-2-ફોફલ-2, જૂનાગઢના પ્રેમપરા-ઓઝત-વ્રજમી, ભાવનગરના લાખાંકા, મોરબીના ભાંગવાડી, સાબરકાંઠાના જવાનપુરા, રાજકોટના ગોંડાલી-વેરીનો સમાવેશ થાય છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલ 76.06 ટકા જળસંગ્રહ છે. પહેલી ઓગસ્ટના ગુજરાતમાં સરેરાશ 73.19 ટકા જળસ્તર હતું.
આ પણ વાંચોઃ ગુજરાતભરમાં યોજાયો ‘પોલીસ-સરપંચ પરિસંવાદ’ કાર્યક્રમ, જાણો શું છે તેનો હેતુ












