ગુજરાત: 16 જિલ્લામાં વરસાદ અને 3 જિલ્લામાં ભારે ગરમીની અગાહી
- ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી
- મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે
- કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા
ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે, બીજી બાજુ ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન 40 પાર જવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદની આગાહી સાથે આજથી અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચી શકે છે. આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો: જૂનાગઢ: ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં આવ્યું રીંછ, લોકોમાં ડરનો માહોલ












