જૂનાગઢ: ઝૂમાંથી બહાર નીકળી સોસાયટીમાં આવ્યું રીંછ, લોકોમાં ડરનો માહોલ

- આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ છે
- ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે આવ્યો
- દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી એક રીંછ બહાર નીકળી જતા દોડધામ મચી ગઈ હતી. રીંછને જે વિસ્તારમાં રાખવામાં આવે છે ત્યાં પાંજરામાંથી વૃક્ષની ડાળીનો સહારો લઈ દીવાલ કૂદીને ઝૂની પાછળ આવેલ કસ્તુરબા કોલોનીમાં ઘૂસી ગયું હતું.
ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે આવ્યો
સ્થાનિકોએ તુરંત ઝૂના સત્તાધીશોને જાણ કરતા તાબડતોબ તેનો કાફલો ઘટનાસ્થળે દોડી આવી રીંછનું રેસ્ક્યુ કરી તેને ઝૂમાં રાખવામાં આવ્યું છે. સક્કરબાગ ઝૂમાં સિંહ-દીપડા, વાઘ સહિતના અનેક વન્યપ્રાણીઓને રાખવામાં આવે છે. તમામ વન્યજીવોને મોટા પાંજરામાં રાખવામાં આવે છે. તે પાંજરામાંથી રીંછ બહાર નીકળીને ઝૂની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં આંટાફેરા મારવા લાગ્યું હતું. સ્થાનિકો રીંછ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સ્થાનિકોને જાણ થઈ ગઈ હતી કે રીંછ ઝૂમાંથી બહાર નીકળી ગયું હોય શકે છે, જેથી તાત્કાલિક ઝૂમાં જાણ કરવામાં આવી. ત્યારબાદ ઝૂનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને રીંછને બેભાન કરીને પકડી લેવામાં આવ્યું.
વૃક્ષ પર ચઢી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું
આ અંગે ઝૂના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, સક્કરબાગનો સ્ટાફ સિંહ ગણતરી માટેની તૈયારીમાં લાગ્યો હતો તેવા સમયે દિવસે ઝૂમાં રીંછનું પાંજરૂ છે તેમાં એક મોટું વૃક્ષ છે, વૃક્ષની પાતળી ડાળીઓ પકડીને તે વૃક્ષ પર ચઢી ઝૂની દીવાલ કૂદીને બહાર નીકળી ગયું હતું. રીંછ ગમે તેવી જગ્યાએ ચઢવા માટે ખૂબ જ ચપળ અને સક્ષમ હોવાથી બહાર નીકળવામાં તેને સફળતા મળી હતી.
આ પણ વાંચો: રાજકોટ : પૂર્વ TPO મનસુખ સાગઠિયાની 21 કરોડની મિલકતો ઇડીએ ટાંચમાં લીધી












