ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગવિશેષ

ગુજરાત વિધાનસભામાં પેટ્રોલ મુદ્દે હોબાળો, વિપક્ષના સરકાર પર પ્રહાર

Fuel Crisis Rumors: ગુજરાતમાં પેટ્રોલ પંપો પર ગઈકાલ બપોર પછીથી લાગેલી લાંબી લાઈનોના મુદ્દે વિધાનસભામાં હોબાળો થયો છે. સોમવારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. કેટલાક પંપો પર તો પેટ્રોલ ખતમ થયાના બોર્ડ લાગ્યા હતા અને લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળ્યા હતા. આ ભીડનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ છે, જેમાં પેટ્રોલ-ડીઝલની અછત અને કિંમત વધારાની વાતો વહેતી થઈ હતી.

વિપક્ષે આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં સરકારને ઘેરી લીધી. તેમણે કહ્યું કે લોકોમાં ગભરાટ અને અરાજકતાનો માહોલ છે. વિપક્ષે આને ‘મેન-મેડ’ સમસ્યા તરીકે વર્ણવ્યું અને સરકારને તાત્કાલિક સ્પષ્ટતા કરવા તથા સ્થિતિ સુધારવાની માંગ કરી. આ દરમિયાન કેટલાક ધારાસભ્યોએ ગેસ સપ્લાયના મુદ્દે પણ વિરોધ નોંધાવ્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય અને પાર્ટી પ્રમુખ અમિત ચાવડાએ પણ ઈંધણની અછત અને જનતાને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સરકારને ઘેરતાં કહ્યું કે અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે અને પેટ્રોલ-ડીઝલની અછતની વાતોને લઈને વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. અમિત ચાવડાએ આ મુદ્દાને ‘મેન-મેડ ક્રાઈસિસ’ તરીકે વર્ણવ્યો અને સરકારને તાત્કાલિક સ્પષ્ટતા કરીને લોકોને આશ્વાસન આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે સરકારની અવ્યવસ્થાને કારણે સામાન્ય નાગરિકોને કલાકો સુધી પંપો પર રાહ જોવી પડી રહી છે, જે સરકારની નિષ્ફળતા દર્શાવે છે.

રાજ્ય સરકારે આ અફવાઓને સંપૂર્ણપણે નકારી કાઢી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ અછત નથી. તેમણે લોકોને અપીલ કરી કે અફવાઓ પર વિશ્વાસ ન કરે અને સંગ્રહખોરી ન કરે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર બે દિવસે સપ્લાયની સમીક્ષા કરી રહ્યા છે. અધિક મુખ્ય સચિવ મોના ખાંધારે પણ કહ્યું કે રાજ્ય પાસે પૂરતો બફર સ્ટોક છે અને પંપો પર લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના અગ્રણી અરવિંદ ઠક્કરે જણાવ્યું કે અમદાવાદમાં 210 પંપોમાંથી માત્ર થોડા પંપો જ અસ્થાયી રીતે ખાલી થયા હતા, પરંતુ કોઈ મોટી અછત નથી. સરકાર અને તેલ કંપનીઓએ સપ્લાય વધારી દીધો છે અને સ્થિતિ ઝડપથી સામાન્ય થઈ રહી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે જરૂર પડે ત્યારે જ પેટ્રોલ પંપ પર જાય અને અફવાઓથી દૂર રહે.

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરમાં પેટ્રોલ માટે મારામારી, લાઈનમાં ઊભા રહેવા બાબતે બાથમ-બાથી

Back to top button