ગુજરાતટ્રેન્ડિંગ

‘ફીમેલ સર્વિસ’ લેવાનું પાંચ લાખમાં પડતા રહી ગયું, સુરતમાં હનીટ્રેપ ગેંગનો પર્દાફાશ

Crime News: સુરત શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં રવિવારે હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ઓનલાઈન વેબસાઈટ પર ‘ફીમેલ સર્વિસ’ શોધવી કન્સ્ટ્રક્શન સાઈટના સુપરવાઈઝરને ભારે પડી છે. સોમનાથ મંદિર પાસેના એક એપાર્ટમેન્ટમાં બોલાવી નકલી પીએસઆઈ અને કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી સુપરવાઈઝર પાસેથી 5 લાખ રૂપિયા પડાવતી ગેંગનો ઉમરા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે બે મહિલા સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.

આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ખતરનાક હતી, જેમાં તેઓ ભોગ બનનાર વ્યક્તિનો સંપર્ક કરી લલચાવતા અને ત્યારબાદ એકાંત સ્થળે બોલાવી મહિલા આરોપીઓને આપત્તિજનક સ્થિતિમાં મૂકી દેતા હતા. આ સ્થિતિનો લાભ ઉઠાવી ટોળકી દ્વારા પીડિતને બ્લેકમેઈલ કરી મોટા પ્રમાણમાં નાણાં પડાવવામાં આવતા હતા. પોલીસ તપાસમાં આ ટોળકીના તાર ઊંડે સુધી જોડાયેલા હોવાની શંકા સેવાઈ રહી છે.

આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે એક આરોપી પાસેથી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નું આબેહૂબ નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે. આ કાર્ડમાં યુવરાજસિંહ જાડેજાનું નામ અને સબ ઇન્સ્પેક્ટરનો રેન્ક દર્શાવવામાં આવ્યો છે, જેની ઇશ્યુ ડેટ 14 માર્ચ,2018 અને જન્મ તારીખ 10 જાન્યુઆરી,1992 લખેલી છે. તપાસ એજન્સીના નામે રોફ જમાવીને લોકોને ડરાવવા માટે આ કાર્ડનો ઉપયોગ થતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી ટોળકીના અન્ય સભ્યો અને અગાઉ કરેલા ગુનાઓની વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે કતારગામ વેડરોડ વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતી વ્યક્તિએ થોડા દિવસ પહેલા ગૂગલ પર ‘ફીમેલ સર્વિસ’ સર્ચ કર્યું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક રમેશ પાલ નામના શખ્સ સાથે થયો હતો. રમેશે તેમને લલચાવી ફોસલાવીને પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલા સૂર્યમંજરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 203માં બોલાવ્યા હતા.

રૂમમાં યુવતી આવી ને તરત જ નકલી પોલીસ ત્રાટકી

કમલભાઈ જ્યારે ફ્લેટ પર પહોંચ્યા ત્યારે રાજવી નામની મહિલાએ તેમને અંદર બેસાડ્યા હતા. થોડીવારમાં પ્રિન્સી નામની યુવતી સર્વિસના બહાને રૂમમાં આવી હતી. હજુ તો વાતચીત શરૂ થાય તે પહેલા જ રૂમમાં અચાનક ત્રણ શખ્સ ધસી આવ્યા હતા. આ શખ્સોએ પોતાની ઓળખ પીએસઆઈ, રાઈટર અને કોન્સ્ટેબલ તરીકે આપી હતી. તેમણે કમલભાઈને ગડદાપાટુનો માર મારી ધમકાવવાનું શરૂ કર્યું હતું.

તમે રેપ કર્યો છે, જેલમાં જવું પડશે એવું કહી 5 લાખની માંગણી

નકલી પોલીસ બનેલા આ શખ્સોએ કમલભાઈને ડરાવ્યા હતા કે તમે અહીં યુવતી પર રેપ કર્યો છે, તમારો વીડિયો બની ગયો છે. બદનામ કરવાની અને કેસ કરવાની ધમકી આપીને આ ટોળકીએ સમાધાન પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ડરના માર્યા સુપરવાઈઝરે રકમ આપવાની તૈયારી બતાવી હતી, પરંતુ આ દરમિયાન ઉમરા પોલીસને બાતમી મળતા ટીમે સ્થળ પર જ દરોડા પાડી સમગ્ર ખેલનો પર્દાફાશ કર્યો હતો.

સ્થળ પરથી જ પાંચ આરોપીઓને દબોચી લીધા

ઉમરા પોલીસે સ્થળ પરથી 5 આરોપીઓને દબોચી લીધા છે. જેમાં આકાશ વાઘેલા, પિયુષ ગોસ્વામી, ખેતારામ પરમાર, રાજવી દેવગાણીયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી રાજપૂતનો સમાવેશ થાય છે. આ આખી ગેંગનો માસ્ટરમાઇન્ડ રમેશ પાલ હાલ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરી પોલીસે શોધખોળ તેજ કરી છે.

આ પણ વાંચોઃ ભારત ચીનને આપી શકે છે મોટો ઝટકો, 1 એપ્રિલથી બેન થઈ શકે છે ચાઈનીઝ CCTV

Back to top button