ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતના એકમાત્ર વાઘને મળશે બે સાથીદાર! મધ્યપ્રદેશથી બે વાઘણ લાવવાની તૈયારી

Gujarat Tiger News: ગુજરાતના જંગલોમાં ફરી વાઘની વસ્તી વધારવા માટે મહત્ત્વપૂર્ણ પ્રયાસો શરૂ થયા છે. રાજ્યમાં હાલ એકમાત્ર નર વાઘની હાજરી વચ્ચે હવે મધ્યપ્રદેશમાંથી બે વાઘણ લાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) અને વન્યજીવન નિષ્ણાતોની ભલામણોને આધારે આ દરખાસ્ત આગળ વધી રહી છે. બધું આયોજન મુજબ આગળ વધે તો ડિસેમ્બર 2026 સુધીમાં બંને વાઘણ ગુજરાત લાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે સ્થળાંતર અંગેની અંતિમ મંજૂરી અને તારીખ હજુ નક્કી થવાની બાકી છે.

ફેબ્રુઆરી 2025થી ગુજરાતમાં નર વાઘનો વસવાટ

ગુજરાતમાં હાલ હાજર નર વાઘ ફેબ્રુઆરી 2025માં મધ્યપ્રદેશ તરફથી રાજ્યમાં પ્રવેશ્યો હતો. ત્યારબાદ તેણે દાહોદના રતનમહાલ અભયારણ્ય અને છોટાઉદેપુર, દેવગઢ બારિયા, સાગટાળા સહિતના જંગલ વિસ્તારોમાં પોતાનું વિચરણ ક્ષેત્ર વિકસાવ્યું છે. આશરે ચાર વર્ષનો આ વાઘ લગભગ 120 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફરતો હોવાનું વન વિભાગના અગાઉના અહેવાલોમાં જણાવાયું છે.

છોટાઉદેપુર અને સાગટાળામાં વાઘણ છોડવાની યોજના

વન્યજીવન નિષ્ણાતોની ભલામણ મુજબ બે વાઘણને નર વાઘના વિચરણ ક્ષેત્રના અલગ-અલગ ભાગોમાં છોડવાનું આયોજન છે. એક વાઘણને છોટાઉદેપુર નજીક અને બીજી વાઘણને સાગટાળા વિસ્તારમાં છોડવાની દરખાસ્ત છે. આ બંને વાઘણની ઉંમર હાલના નર વાઘની નજીક રાખવાનો પ્રયાસ કરવામાં આવશે. અલગ સ્થળોએ વાઘણને છોડવાથી નર વાઘ સાથે તેમનો કુદરતી સંપર્ક થવાની અને ભવિષ્યમાં પ્રજનનની શક્યતા વધી શકે છે.

નિષ્ણાત સમિતિએ ગુજરાતને ગણાવ્યું અનુકૂળ

કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા રચાયેલી નિષ્ણાત સમિતિએ રતનમહાલ વિસ્તારનો અભ્યાસ કર્યો છે. સમિતિમાં એચ.એસ. સિંહ, વન્યજીવન વૈજ્ઞાનિક ડૉ. બિલાલ હબીબ અને NTCA સાથે સંકળાયેલા એન.વી. કાલેનો સમાવેશ થાય છે. સમિતિએ પોતાના અહેવાલમાં વાઘણના સ્થળાંતર માટે ગુજરાતના આ જંગલ વિસ્તારને અનુકૂળ ગણાવ્યો છે. અહીં નીલગાય અને જંગલી ભૂંડ જેવા શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા પણ વાઘ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

વાઘની હિલચાલ પર નજર રાખવા 1,100 કેમેરાનું આયોજન

બે વાઘણને ગુજરાત લાવવાની સંભવિત યોજના પહેલાં વન વિભાગ દેખરેખની વ્યવસ્થા મજબૂત બનાવી રહ્યો છે. નવેમ્બરના અંત સુધીમાં આશરે 1,100 સીસીટીવી કેમેરા અને કેમેરા ટ્રેપ લગાવવાનું આયોજન છે. આ વ્યવસ્થાથી હાલના નર વાઘની હિલચાલ, તેના વિચરણ વિસ્તાર અને ભવિષ્યમાં છોડવામાં આવનારી વાઘણોની પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાશે.

ચાર દાયકા બાદ ગુજરાતમાં વાઘની વસ્તી વધવાની આશા

ગુજરાતમાંથી વાઘનું સ્થાનિક અસ્તિત્વ લગભગ ચાર દાયકા પહેલાં સમાપ્ત થયું હોવાનું માનવામાં આવતું હતું. જોકે ફેબ્રુઆરી 2025માં નર વાઘના પુનરાગમન અને સતત વસવાટથી રાજ્યમાં ફરી વાઘની વસ્તી સ્થાપિત કરવાની આશા જાગી છે. આ ઘટનાને પગલે ગુજરાતને 2026ના અખિલ ભારતીય વાઘ અંદાજ કાર્યક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. હવે બે વાઘણના સંભવિત આગમનથી ગુજરાતમાં વાઘના કુદરતી પ્રજનનનો માર્ગ ખુલવાની આશા છે. જોકે વાઘણનું સફળ સ્થળાંતર, જંગલમાં અનુકૂલન, પૂરતા શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા અને લાંબા ગાળાનું સંરક્ષણ આ યોજનાની સફળતા માટે મહત્વપૂર્ણ રહેશે.

આ પણ વાંચોઃ બોલીવૂડ પર ફરી અંડરવર્લ્ડનો ખતરો? રાકેશ રોશનથી ટાઈગર શ્રોફ સુધી, ગોળીબારની ઘટનાઓએ ઊભા કર્યા સવાલ
Back to top button