આવાસની માંગ સાથે ચંડોળાના અસરગ્રસ્તોનો ઉગ્ર વિરોધ: AMC કચેરીમાં ગાદલા પાથરી તંત્રને જગાડ્યું

Ahmedabad AMC Protest : અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ડિમોલેશન થયાના દોઢ વર્ષ બાદ પણ કાયદેસરની પાત્રતા ધરાવતા અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક મકાનો ન મળતાં બુધવારે (18 નવેમ્બર) તેમણે તંત્ર સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. દાણીલીમડાના કોંગ્રેસી કોર્પોરેટર અને કોર્પોરેશનના પૂર્વ વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણની આગેવાનીમાં અસરગ્રસ્ત પરિવારો ગાદલા-ગોદડા સહિતનો ઘરવખરીનો સામાન લઈને મણિનગર સ્થિત દક્ષિણ ઝોનની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં જ પથારી પાથરીને તેઓ સૂઈ ગયા હતા.
આશરે દોઢ કલાક સુધી ચાલેલા આ ઉગ્ર વિરોધ બાદ અધિકારીઓએ બે પુરાવા ધરાવતા પાત્ર અસરગ્રસ્તો માટે આગામી 15 દિવસમાં મકાનોના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવાની લેખિત કે મૌખિક બાંહેધરી આપી હતી, ત્યારબાદ મામલો થાળે પડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચંડોળાના રઝળતા પરિવારો કોર્પોરેશનની કચેરીમાં જ ગાદલા-ગોદડા સાથે સૂઈ ગયા
આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે મ્યુનિસિપલ કમિશનર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં કમિશનર ચંડોળા તળાવ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા કરવા આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં આ વિકાસ નહીં પરંતુ ગરીબો પરનો ‘વિનાશ’ છે. દોઢ વર્ષ પહેલાં ગરીબોને બાંગ્લાદેશી ગણાવીને તેમના વર્ષો જૂના વસવાટો તોડી પાડવામાં આવ્યા હતા.
જે લોકોના મકાનો તૂટ્યા હતા તેમને વૈકલ્પિક આવાસ આપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ પણ પસાર થયો હતો. મકાનો ફાળવવા માટે તંત્ર દ્વારા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, જેમાં 2,000થી વધુ લોકોએ નિયમ મુજબ ફોર્મ ભરીને ડિમાન્ડ ડ્રાફ્ટ પણ જમા કરાવ્યા હતા. તેમ છતાં આજદિન સુધી એક પણ અસરગ્રસ્ત વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું નથી.
મ્યુનિસિપલ કમિશનરના નિવાસ્થાને વિરોધ કરવાની ચીમકી
અન્ય વિસ્તારોમાં પાંચ-છ મહિના પહેલાં જેમના મકાન તોડ્યા હોય તેમને આવાસ મળી ગયા છે, પરંતુ ભાજપના ઈશારે ચંડોળા તળાવના ગરીબો સાથે સતત અન્યાય થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. તંત્રને આડેહાથ લેતા પૂર્વ વિપક્ષના નેતાએ ચીમકી ઉચ્ચારી હતી કે, અધિકારીઓને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે. આજે અમે માત્ર દક્ષિણ ઝોનના એક અધિકારીની ઓફિસમાં ગાદલા પાથરીને બેઠા છીએ, પરંતુ જો વહેલી તકે મકાનો નહીં ફાળવાય તો મ્યુનિસિપલ કમિશનરના નિવાસ્થાને જઈને રહેવાની ફરજ પડશે, કારણ કે શહેરના ગરીબોને છત આપવાની મુખ્ય જવાબદારી તેમની છે.
આ પણ વાંચોઃ સેમિકન્ડક્ટરથી લઈને સુપર ઇન્ટેલિજન્સ સુધી…ભારત-અમેરિકા સહિત 10 દેશો AI ની વૈશ્વિક સપ્લાય ચેઇન કરશે સુરક્ષિત
15 દિવસમાં ટેન્ડર બહાર પાડવાની બાંહેધરી અપાયા પછી વિરોધ સમેટાયો
અસરગ્રસ્ત મહિલાઓ અને પુરુષો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં જ પથારી પાથરીને સૂઈ જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને અધિકારીઓએ તાત્કાલિક તેમની સાથે વાતચીત શરૂ કરી હતી. દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અસરગ્રસ્તોને મળવા પહોંચ્યા હતા. તેમણે બે પુરાવા ધરાવતા તમામ પાત્ર અસરગ્રસ્ત પરિવારો માટે મકાનોના બાંધકામની પ્રક્રિયા ઝડપથી આગળ વધારવાની ખાતરી આપી હતી. આગામી 15 દિવસમાં મકાનોના બાંધકામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે તેવી સ્પષ્ટ બાંહેધરી આપવામાં આવ્યા બાદ અસરગ્રસ્તોએ પોતાનો વિરોધ સમેટ્યો હતો.
આ પણ વાંચોઃ સોનામાં ભેળસેળનો નવો ખેલ બન્યો રેનિયમ પાવડર, કેવી રીતે ઓળખશો કે તમારું સોનું અસલી છે કે નકલી?












