ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય: ફિક્સ પગારદારોને વ્યાજ સાથે લઘુતમ વેતન ચૂકવવા આદેશ

Gujarat High Court Order: ગુજરાતના જિલ્લા પંચાયતોમાં વર્ષોથી નજીવા પગારે કામ કરતા કર્મચારીઓ માટે હાઈકોર્ટ આશાનું કિરણ બનીને આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ₹2500ના ફિક્સ પગારમાં ફૂલ ટાઇમ કામ કરાવીને કર્મચારીઓને તેમના હકથી વંચિત રાખી શકાય નહીં.
શું હતો સમગ્ર મામલો?
જિલ્લા પંચાયતમાં ફૂલ ટાઇમ ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરો અને ડ્રાઇવરોને સરકાર દ્વારા ‘પાર્ટ ટાઇમ’ ગણીને માત્ર ₹2500 ચૂકવવામાં આવતા હતા. સરકારના નાણા વિભાગે આ કર્મચારીઓને લઘુતમ વેતન આપવાનો ઇનકાર કર્યો હતો. આ અન્યાય સામે કર્મચારીઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને 16 જુલાઈ 2019ના પરિપત્ર મુજબ પગાર ધોરણ લાગુ કરવાની માંગ કરી હતી.
સરકારની ‘કૃત્રિમ બ્રેક’ પ્રથા પર કોર્ટની ફટકાર
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે, કર્મચારીઓ પાસે 29 દિવસ કામ કરાવીને 1 દિવસનો ‘આર્ટિફિશિયલ બ્રેક’ (કૃત્રિમ વિરામ) આપવામાં આવે છે, જે કાયદાકીય રીતે અયોગ્ય છે. અરજદારો ‘કેટેગરી-3’ માં આવે છે, તેથી તેમને પગારના લાભથી વંચિત રાખી શકાય નહીં. અગાઉ DDO દ્વારા અરજદારોના દાવાને નકારતો 12 ડિસેમ્બર 2022નો આદેશ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે.
જૂન સુધીમાં નાણાં ચૂકવવા ડેડલાઇન
હાઈકોર્ટે નાણા વિભાગને કડક આદેશ આપતા જણાવ્યું છે કે,
વ્યાજ સાથે ચુકવણી: બાકી નીકળતા પગારના તફાવતની રકમ 6% વ્યાજ સાથે ચૂકવવાની રહેશે.
સમયમર્યાદા: પગારના તફાવતની ગણતરી 31 મે 2026 સુધી કરીને, 30 જૂન 2026 સુધીમાં તમામ રકમ કર્મચારીઓના ખાતામાં જમા કરાવવાની રહેશે.
આ ચુકાદાથી રાજ્યના હજારો ફિક્સ પગારદાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.












