ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: વકફ મિલકતોના વિવાદોમાં હવે કોર્ટ ફી અનિવાર્ય

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે 17 ડિસેમ્બર, 2025ના રોજ વકફ સંપત્તિઓ સાથે જોડાયેલા કાનૂની વિવાદો અંગે એક અગત્યનો અને દૂરગામી અસર કરનારો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, નાની દરગાહથી લઈને મોટી મસ્જિદો સુધીના સંચાલકોને હવે કાનૂની કાર્યવાહીમાં અન્ય પક્ષકારોની જેમ જ કોર્ટ ફી ચૂકવવી ફરજિયાત રહેશે. આ નિર્ણયથી વકફ મિલકતોને અત્યાર સુધી મળતી કોર્ટ ફીની છૂટ પર અંકુશ મૂકાયો છે અને કોર્ટે ભાર મૂકીને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા કાયદાકીય પ્રક્રિયાથી ઉપર નથી.
વકફ મિલકત શું છે?
વકફ એ એવી સંપત્તિ છે જે કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની જંગમ કે સ્થાવર મિલકતને ધાર્મિક અથવા પરોપકારી હેતુઓ માટે કાયમી રૂપે અર્પણ કરે છે. આમાં મુખ્યત્વે મસ્જિદો, ઈદગાહ, દરગાહો, મઝારો, મદરસા, મુસાફરખાના, યતીમખાના અને કબ્રસ્તાનો જેવી જગ્યાઓનો સમાવેશ થાય છે. આ સંપત્તિઓ બિન-વેચાણપાત્ર હોય છે અને તેનું સંચાલન વકફ એક્ટ હેઠળ થાય છે.
વિવાદનું મુખ્ય કારણ શું હતું?
વકફ એક્ટ હેઠળ આવતી અનેક મિલકતો અંગે રાજ્યમાં કોર્ટ કે વકફ ટ્રિબ્યુનલમાં કેસો ચાલુ છે. અત્યાર સુધી જૂના વકફ કાયદામાં સ્પષ્ટ જોગવાઈના અભાવે આવા વિવાદોમાં કોર્ટ ફી વસૂલાતી નહોતી. જ્યારે અન્ય ધાર્મિક અથવા સામાજિક ટ્રસ્ટ કે ટ્રિબ્યુનલોમાં આવા કેસોમાં ફી ચૂકવવી પડતી હતી. આ અસમાનતાને કારણે વકફ સંપત્તિઓના કેસોમાં વિશેષ છૂટ મળતી હતી, જેને હવે હાઈકોર્ટે દૂર કરી છે.
આ ચુકાદા પરથી રાજ્યમાં ચાલતા 150થી વધુ પડતર કેસોનો એકસાથે નિકાલ થયો છે. આગામી દિવસોમાં વકફ સાથે સંબંધિત તમામ કાનૂની વિવાદોમાં નિયત કોર્ટ ફી ચૂકવવી અનિવાર્ય બનશે, જેની અસર રાજ્યભરના અનેક કેસો પર પડશે.
આ નિર્ણયને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આવકાર્યો છે અને તેને સમાનતાનો પ્રતીક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ ચુકાદાથી સાબિત થાય છે કે કાયદાની નજરમાં તમામ સમાજ અને વ્યક્તિઓ સમાન છે. આ નિર્ણય વકફ સંપત્તિઓના સંચાલનમાં વધુ પારદર્શિતા અને જવાબદારી લાવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો: સૂરતની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 10 ગાડીઓ ઘટનાસ્થળે












