ગુજરાતમાં ફરી મેઘતાંડવની આગાહી: 13 જિલ્લામાં રેડ એલર્ટ, સરકાર હાઈ અલર્ટ પર, સાવચેતી માટે શું કરશો?

Gujarat Rain: ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી વરસાદનું જોર ફરી વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. ખાસ કરીને 31 જુલાઈનો દિવસ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતા છે.
📢 અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આવતીકાલે તા.31 જુલાઈના રોજ શહેરની તમામ શાળા તથા કોલેજોમાં રજા જાહેર.
👉 જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા લેવાયો નિર્ણય.#AhmedabadRain #SchoolHoliday #RainUpdate@CollectorAhd @InfoGujarat
— Info Ahmedabad GoG (@infoahdgog) July 30, 2026
31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગ સહિત 13 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રને પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવ્યા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગે કરેલી આગાહીને ધ્યાને રાખી કલેકટર ડો. અનિલ ધામેલિયાએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં તા. ૩૧ ના રોજ રજા જાહેર કરી છે.#vadodara #baroda #Alert @CollectorVad @InfoGujarat pic.twitter.com/YWs6P09HWC
— Info Vadodara GoG (@Info_Vadodara) July 30, 2026
30 જુલાઈએ સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 જુલાઈએ દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરત સહિત કુલ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા ગાળામાં ભારે વરસાદ ખાબકી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
31 જુલાઈએ 13 જિલ્લામાં રેડ એલર્ટ
31 જુલાઈના રોજ વરસાદની સૌથી ગંભીર સ્થિતિ રહેવાની આગાહી છે. અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ દરમિયાન ભારે વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથેનું વાતાવરણ પણ જોવા મળી શકે છે.
અમદાવાદ-વડોદરામાં શાળા-કોલેજો બંધ
રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને વડોદરા જિલ્લામાં 31 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ લોકોને વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને 30 જુલાઈની મોડી રાતથી વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
તા. 31 જૂલાઈ અને 1 ઓગસ્ટે ભારે પવન સાથે વરસાદની આગાહી…
જિલ્લા કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયનો જનતાને સંદેશ : સાવચેતી, સંકલન અને સહયોગથી દરેક પડકારનો સામનો કરીશું. આપની સાવચેતી જ સૌથી મોટી સુરક્ષા છે. જિલ્લા વહીવટી તંત્ર તમારી સાથે છે અને કોઈ પણ આપત્તિ માટે સજ્જ છે.#kheda pic.twitter.com/jDgw5YqWZQ
— Info Kheda GoG (@infokhedagog) July 30, 2026
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગ અનુસાર હાલ ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે:
- ડીપ ડિપ્રેશન
- મોનસૂન ટ્રફ
- અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
- વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ
આ ચારેય સિસ્ટમની અસરને કારણે રાજ્યમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. ખાસ કરીને ડીપ ડિપ્રેશનની અસરથી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બની છે.
1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ
31 જુલાઈ બાદ પણ વરસાદથી રાહત મળવાની શક્યતા ઓછી છે. 1 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આગામી કેટલાક દિવસો દરમિયાન ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદનું જોર વધ-ઘટ સાથે યથાવત રહી શકે છે.
આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડા જિલ્લા કલેક્ટરશ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજાઈ…
જિલ્લા અને તાલુકાના તમામ સંબધિત અધિકારીશ્રીઓને વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા જરૂરી તૈયારીઓ વિશે… pic.twitter.com/BEW1Bxk8iL
— Gujarat Information (@InfoGujarat) July 30, 2026
સરકાર અને વહીવટી તંત્ર હાઈ અલર્ટ પર
ભારે વરસાદની આગાહીને પગલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિ, સંભવિત પૂર અને આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ સંબંધિત વિભાગોને જરૂરી સાધનો અને ટીમોનું મેપિંગ કરી તાત્કાલિક એક્શન મોડમાં રહેવા સૂચના આપવામાં આવી છે.
જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા સૂચના
- ભારે વરસાદ અને પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા સૂચના આપવામાં આવી છે.
- આ ઉપરાંત કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો સુધી આપત્તિની માહિતી સમયસર પહોંચાડવા તથા ખાસ કાળજી રાખવા પણ તંત્રને આદેશ આપવામાં આવ્યો છે.
- કલેક્ટરો અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ હાઈ અલર્ટ પર રાખવામાં આવી છે.
હવામાન વિભાગે તા. 31 જુલાઈ માટે રાજ્યમાં અમદાવાદ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની આગાહી કરી…#HeavyRainAlert #RainForecast #WeatherUpdate #Monsoon #Monsoon2026 #GujaratRain pic.twitter.com/cL4yvtIJJ3
— Gujarat Information (@InfoGujarat) July 30, 2026
53,600થી વધુ લોકોને અગાઉથી સુરક્ષિત સ્થળે ખસેડાયા
રાજ્યમાં અગાઉ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિમાંથી મળેલા અનુભવને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ સર્જાય તે પહેલાં સુરક્ષા દળોના સંકલનથી 53,600થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પૂરના પાણીમાં ફસાયેલા 9,600થી વધુ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહ્યું છે. વલસાડ અને નવસારીમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર વરસાદ થયો છે, જ્યારે ધોળકામાં ટૂંકા સમયમાં આશરે 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આવી સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્રને આગોતરી તૈયારી સાથે કામ કરવા સૂચના આપવામાં આવી છે.
માછીમારો માટે પણ 1 ઓગસ્ટ સુધી વોર્નિંગ
વરસાદની સાથે દરિયાકાંઠાના વિસ્તારો માટે પણ ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસના જણાવ્યા મુજબ 1 ઓગસ્ટ સુધી થંડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં પવન રહેવાની શક્યતા છે. તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 20થી 25 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
જાગૃત બનીએ, સુરક્ષિત રહીએ…
આકાશી વીજળી સામે થોડી જાગૃતિ અને સાવચેતી મોટી આફતથી બચાવી શકે છે. વીજળી સમયે શું કરવું અને શું ન કરવું તેની જાણકારી રાખીએ અને સુરક્ષિત રહીએ… #MahitiMorning #ThursdayTips #awareness pic.twitter.com/uTweNLiYqT
— Gujarat Information (@InfoGujarat) July 30, 2026
ભારે વરસાદમાં લોકોએ શું સાવચેતી રાખવી?
- બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું.
- પાણી ભરાયેલા રસ્તા અને અંડરપાસમાં વાહન ન ચલાવવું.
- વીજળીના કડાકા-ભડાકા દરમિયાન ખુલ્લા મેદાનમાં ન ઊભા રહેવું.
- ઝાડ, વીજપોલ અને હોર્ડિંગ્સથી દૂર રહેવું.
- ઘરમાં હોય તો બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ ટાળવો.
- નદી, નાળા કે પાણીના પ્રવાહ પાસે જવાનું ટાળવું.
- જર્જરિત મકાનમાં રહેતા હોય તો તંત્રની સૂચના મુજબ સલામત સ્થળે ખસી જવું.
- વરસાદ દરમિયાન બાળકોને બહાર રમવા કે પાણી ભરાયેલા વિસ્તારોમાં જવા ન દેવા.
- વીજળી પડવાની શક્યતા હોય ત્યારે ખુલ્લા મેદાન, ખેતર અને ઊંચા વૃક્ષોથી દૂર રહેવું.
- તંત્ર દ્વારા આપવામાં આવતી સ્થાનિક ચેતવણી અને સૂચનાઓનું પાલન કરવું.
ગુજરાત માટે આગામી દિવસો મહત્ત્વના
ગુજરાતમાં ફરી સક્રિય થયેલી ચાર વરસાદી સિસ્ટમના કારણે આગામી કેટલાક દિવસો રાજ્ય માટે મહત્ત્વના બની રહ્યા છે. ખાસ કરીને 31 જુલાઈએ 13 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરામાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા અને રાજ્યભરમાં તંત્રને હાઈ અલર્ટ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદની સાથે પૂર, પાણી ભરાવા, વીજળી અને ભારે પવન જેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. તેથી નાગરિકોએ ગભરાવાની જરૂર નથી, પરંતુ તંત્રની સૂચનાઓનું પાલન કરીને જરૂરી સાવચેતી રાખવી સૌથી મહત્વપૂર્ણ છે.












