અમદાવાદ-વડોદરામાં 31 જુલાઈએ શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદનું રેડ એલર્ટ

Ahmedabad Rain: ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોર પકડવાનો છે. રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 31 જુલાઈના રોજ અમદાવાદ અને વડોદરા સહિત અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને વડોદરા જિલ્લામાં 31 જુલાઈએ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ-વડોદરામાં શાળાઓ-કોલેજોમાં રજા
હવામાન વિભાગ દ્વારા 31 જુલાઈના રોજ અમદાવાદ અને વડોદરા માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ, ટ્રાફિક અને અન્ય જોખમોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અમદાવાદ અને વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય હેઠળ શાળાઓ ઉપરાંત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પણ રજા રહેશે. વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્થાનિક તંત્ર તથા શૈક્ષણિક સંસ્થાઓ તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
31 જુલાઈએ અમદાવાદ અને વડોદરામાં રેડ એલર્ટ
હવામાન વિભાગની આગાહી અનુસાર 31 જુલાઈએ અમદાવાદ અને વડોદરામાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. વરસાદની સ્થિતિને જોતા વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ લોકોને સાવચેતી રાખવા અને શક્ય હોય ત્યાં સુધી સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.
📢 અમદાવાદ શહેરમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને આવતીકાલે તા.31 જુલાઈના રોજ શહેરની તમામ શાળા તથા કોલેજોમાં રજા જાહેર.
👉 જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ દ્વારા લેવાયો નિર્ણય.#AhmedabadRain #SchoolHoliday #RainUpdate@CollectorAhd @InfoGujarat
— Info Ahmedabad GoG (@infoahdgog) July 30, 2026
30 જુલાઈની મોડી રાતથી વડોદરામાં વરસાદનું સંકટ
વડોદરા શહેર અને જિલ્લામાં 30 જુલાઈની મોડી રાતથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા તેમજ સંભવિત પાણી ભરાવાની સ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
View this post on Instagram
ગુજરાતમાં ચાર વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાતમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી છ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 30 જુલાઈના રોજ સુરત સહિત 8 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.












